નીલિમા અને બબલુ             પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી

‘નીલિમા એ નીલિમા, ચાલ ઊઠ બેટા, સવાર થઇ ગઈ.’ નીલિમાની મમ્મીએ નીલિમાને માથે હાથ પસવારતા વહાલથી એને ઊઠાડી. નીલિમા લાડ કરતા મમ્મીને વળગી પડી. ‘ચાલ બેટા, બ્રશ કરી લે, તારું બોર્નવીટા તૈયાર છે.’નીલિમા ઊઠી, બ્રશ કરીને ડાઈનીંગ ટેબલ પરથી દૂધનો ગ્લાસ લઇ બહાર ઓટલા પર ની બેઠક પર બેસીને દૂધ પીવા માંડી. ત્યાં  જ એની નજર ઘરના બગીચામાં ફૂલ છોડ પર ઉડતા રંગબેરંગી પતંગીયા ની પાછળ એને પકડવા દોડતા એક છોકરા પર પડી. પતંગીયું એક ફૂલ પર બેઠું, અને છોકરાએ જેવો એને પકડવા હાથ લંબાવ્યો કે નીલિમા મોટેથી બોલી, ’એય, મારા પતંગિયા ને પકડવાનું નથી.’ એમ કહેતી દૂધનો ગ્લાસ ત્યાં જ મુકીને નીલિમા દોડીને પેલા છોકરા પાસે પહોચી ગઈ. છોકરો તો ડર્યા વગર ઊભો રહ્યો. ‘કોણ છે તું? અહીં કેમ આવ્યો છે?’  નીલિમાએ એને પૂછ્યું. છોકરાએ જાણે કશું સાભળ્યું જ નથી એમ એ  ફરી પતંગીયું પકડવા દોડ્યો. હવે નીલિમાને ગુસ્સો આવ્યો, એણે ખુબ મોટેથી બુમ પાડી, ’કેમ સાંભળતો નથી, કહ્યું ને કે મારા પતંગિયા ને પકડવાનું નથી.’ 
નીલિમાની બુમ સાંભળીને ઘરમાંથી એના પપ્પા રોમેશભાઈ બહાર આવ્યા.’નીલુ બેટા, શું થયું? કેમ બુમો પાડે છે?’ ‘પપ્પા, મેં  ના પાડી છતાં આ છોકરો પતંગિયાને પકડે છે.’ ‘કોણ છે છોકરા તું? અહી કેમ આવ્યો છે?’ રોમેશભાઈએ  છોકરાને પૂછ્યું. હવે છોકરો ઘભરાયો. બે ચાર  ડગલા પાછળ હઠ્યો. અવાજ સાભળીને ઘરની પાછળની ઓરડીમાંથી માળી ગણેશ બહાર દોડી આવ્યો અને બોલ્યો,’સાયેબ, એ મારો ભાણો છે, બબલુ. મારી બેનનો દિકરો, ગામડે રહે છે. ઇસ્કુલમાં  વેકેશન છે એટલે મારા બનેવી કાલે રાતના જ એને મારે ઘરે મૂકી ગિયા છે. થોડા દાડા રેશે ને ઈસ્કુલ ચાલુ થશે એટલે હું એને પાછો મૂકી આવીશ.  એણે બેબી બેનને  હેરાન કઈરા કે?’
‘માળીકાકા, એ મારા પતંગિયા ને પકડે છે, એને ના કહી દો ને.’ નીલિમા બોલી. ‘બબલુ, પતંગિયાને પકડવાનું નઈ, ફૂલો પણ નઈ તોડવાના, હમઈજો?’ બબલુએ હકારમાં ડોકું ધુણાવ્યું અને ઘરની પાછળ આવેલી ઓરડી તરફ ભાગી ગયો. માળી ગણેશે કહ્યું, ‘બેબીબેન, હવે એ પતંગીયું નઈ પકડે. બબલુ તો છોકરું છે, એને માફ કરી દો, સાયેબ.’ માળીએ રોમેશભાઈ સામે હાથ જોડી માફી માંગતા કહ્યું.’ઠીક છે, પણ એને કહી દેજે બીજીવાર આવું ન કરે.’કહીને રોમેશભાઈ નીલિમાને લઈને ઘરમાં જતા રહ્યા. નીલિમાએ જતા જતાઓટલા પરથી  દુધનો ગ્લાસ લઇ લીધો.
બપોરે નીલિમાએ ઘરની બારીમાંથી જોયું તો બબલુ ઘરની પાછળ આવેલા વાડામાં એક નાનકડુ સર્કલ કરીને લખોટી ઓ રમી રહ્યો હતો. નીલિમા તો મોબાઈલ પર કાર રેસિંગ, બોટલ શૂટ રમતી. વિડીઓ પર જાત જાતની  રમતો રમતી. ઘરના કમ્પાઉંડમા કે સોસાયટીમાં  સાઈકલ ચલાવતી.પણ એ બધી રમતો રમી રમીને એ ઘણીવાર કંટાળી જતી, બોર થઇ જતી. ત્યારે મમ્મી પપ્પા આગળ  એ ગાર્ડનમાં લઇ જવા કે થીયેટરમાં ફિલ્મ જોવા લઈ જવાની જીદ પકડતી. એને બબલુની  લખોટીની આ નવી જાતની રમતમાં મઝા પડી.
‘એય, શું કરે છે?’ એ બબલુની પાસે પહોચી અને પૂછ્યું. ’જોતી નથી, લખોટી રમું છું. બબલુએ અકડીને જવાબ આપ્યો. ‘મને રમાડીશ?’ ‘તને રમતા આવડે છે?’ ‘આવડતું તો નથી, પણ તું શીખવાડશે તો હું શીખી જઈશ.’ ‘હું શું કામ તને શીખવું? તું તો મને પતંગીયું પકડવા નથી દેતી.’ બબલુએ મો ફુલાવીને કહ્યું. ‘મારા પપ્પાએ કહ્યું હતું કે પતંગીયું નાજુક હોય,એને પકડીએ તો એ મરી જાય. એટલે એને પકડવું જોઈએ નહિ.’ ‘સારું, નહિ પકડું. પણ તારી પાસે લખોટીઓ છે?’ ‘ના, અત્યારે તું મને લખોટીઓ આપ. પછી હું મારા પપ્પા પાસે મંગાવી લઈશ’ ‘હારી જાય એટલી લખોટી તારે મને આપવી પડશે.’ ‘ભલે, આપી દઈશ, બસ? હવે તો મને શીખવાડ.’ અને બબલુએ એને લખોટી રમતા શીખવ્યું.
એ સાંજે રમતા રમતા બબલુનો બોલ કંપાઉંડની બહાર જતો રહ્યો. એ બોલ લઈને પાછો આવ્યો અને દરવાજો બંધ ન કર્યો, એ જોઇને નીલિમાએ એને કહ્યું, ‘બબલુ, કંપાઉંડ નો દરવાજો બંધ કર નહીતર અર્જુન બહાર જતો રહેશે.’ ‘અર્જુન? અર્જુન કોણ?’ ‘અમારો કાચબો.’ ‘કાચબો? ક્યાં છે કાચબો?’ ‘જો, ત્યાં મોગરાના ઝાડની નીચે છુપાઈને બેઠો છે.’ ‘અરે વાહ, સરસ છે, આટલો મોટો કાચબો  ક્યાંથી લાવ્યા?’ ‘મારા અંકલે મારી બર્થડે પર મને ગીફ્ટ આપ્યો છે.’ ‘હું એને રોટલી ખવડાવું?’ ‘ના, એ ગાજર – કાકડી જ ખાય છે. અહી જ ગાર્ડનમાં જ રહે છે. પણ બહાર જતો ન રહે તે માટે ધ્યાન રાખીને દરવાજો બંધ રાખવો પડે છે. મારા પપ્પા આજે  દરવાજાને ‘ડોર ક્લોઝર’ મુકાવવાના જ છે’.
‘એ શું હોય?’ ‘’કોઈ દરવાજો ખોલીને અંદર આવે કે જાય તે પછી એનાથી ઓટોમેટીક દરવાજો બંધ થઇ જાય.’ ‘તો તો સારું. અર્જુન બહાર જાય જ નહિ.’  બબલુને તો અર્જુનને જોવાની અને  સાથે રહેવાની મજા પડી ગઈ. બબલુએ નીલિમાને લખોટી- ગીલ્લી ડંડા રમતા અને ભમરડો ચલાવતા શીખવ્યું. નીલિમાએ એને દોરડા કુદ અને સાત પગલાની રમત શીખવી. પછી તો બન્ને સારા દોસ્ત બની ગયા.ઘરમાં બોર થતી નીલિમાને હવે ખુશ રહેતી જોઇને એના મમ્મી પપ્પા પણ ખુશ થયા.
‘તને તરતા આવડે છે?’ બબલુએ એક દિવસ નીલિમાને પૂછ્યું. ‘તરતા એટલે સ્વીમીંગ જ ને? નથી આવડતું. પણ મમ્મી મને સ્વીમિંગનાં કલાસીસ માં લઇ જશે, પછી મને તરતા આવડી જશે.’ નીલિમાએ  કહ્યું. ‘તમારા ગામમાં સ્વીમીંગપુલ છે?’  નીલિમાએ પૂછ્યું. ‘ના,પણ એક નાની નદી છે. પહેલા તો શીખવા માટે અમે પેટ પર  ડબ્બા બાંધીને તરતા. હવે તો મને ડબ્બા બાંધ્યા વગર જ તરતા આવડી ગયું છે. ત્યાં ગામમાં મારા ઘણા દોસ્તો છે. અમે બધા  તો પથ્થર પરથી  ઊંચેથી નદીમાં ભૂસકા પણ મારીએ અને વડનાં ઝાડની  ડાળીએ લટકીને પાણીમાં પડીએ, બહુ મઝા આવે. તમારે ત્યાં નદી છે?’
‘મારા પપ્પા મને અહી અમદાવાદમાં કાંકરિયા તળાવ માં બોટિંગ કરવા લઇ ગયેલા, ત્યારે મને બહુ મઝા આવેલી.’ ‘બોટિંગ એટલે?’ ‘બોટિંગ એટલે હોડીમાં બેસીને તળાવમાં ફરવાનું. બોટ એકદમ ફાસ્ટ ચાલે એટલે પાછળ પાણીનો ફુવારો ઉડે તે જોવાની મઝા પડે. ત્યાં અમે નાનકડી ટ્રેનમાં બેસીને આખા કાંકરિયા ગાર્ડનનો આંટો મારેલો.’ ‘ગાર્ડનમાં ટ્રેન કેવી રીતે ચાલે?’ ‘પાટા પર ચાલે. સાઈકલને પૈડા હોય એમ ટ્રેનને પણ પૈડા હોય, પણ સાઈકલ કરતા એ ફાસ્ટ ચાલે. ટ્રેનમાં  એન્જીન ની સાથે ઘણા ડબ્બા જોડેલા હોય, ડબ્બામાં આપણે બેસવાનું. કાંકરિયા ગાર્ડનમાં તો એક ‘બાળ વાટિકા’ પણ છે, એમાં જાત જાતના અરીસા છે. એમાં આપણે જાડા –પાતળા- ઊંચા દેખાઈએ. ભૂલ ભુલામણી છે, એમાં રસ્તો શોધતા આપણે જ ખોવાઈ જઈએ. અને ‘એર બલુન’ માં બેસીએ તો ઉંચે આકાશમાં જવાય, ત્યાંથી આખું કાંકરિઆ તળાવ અને આજુ બાજુના મકાનો અને રસ્તાઓ દેખાય. અને  ‘ઝૂ’ માં તો વાઘ – સિંહ – મગર – ચિત્તા –સાપ  ને એવા બધા પ્રાણીઓ જોવા મળે.’‘એવા પ્રાણીઓ તો જંગલમાં હોય, અહી હોય તો આપણને ફાડી જ ખાય ને?’ ‘ના, એમને પિંજરામાં પૂરેલા હોય, આપણે બહારથી જોવાના એટલે આપણને કઈ નહિ થાય.’ ‘અમારા ગામમાં તો ગાય –ભેસ- બકરી-ગધેડા  એવા પ્રાણીઓ જોવા મળે.’ ‘તુ કોઈ દિવસ જંગલમાં  ગઈ છે?’ બબલુએ નીલિમાને પૂછ્યું. ‘ના, પણ હું મુબઈ મારા મામાને ઘરે ગયેલી ત્યારે મારા મામા મને મોલમાં એક જંગલની રાઇડમાં લઇ ગયેલા.’ ‘રાઈડ એટલે?’
‘રાઈડ એટલે ચકડોળ કે હીચકા જેવું સાધન હોય. એમાં આપણને બેલ્ટ પહેરાવીને બેસાડે, ચશ્માં પહેરાવે અને પછી ઊચે ને આગળ લઇ જાય. એમાં જંગલમાંથી પસાર થતા હોઈએ એવું લાગે. મોટા મોટા ઝાડ હોય, અંધારું હોય, એમાં વાઘ, સિંહ, સાપ જેવા પ્રાણીઓ આવે, વાંદરાઓ ઝાડની ડાળીઓ પર લટકીને એક ડાળીથી બીજી ડાળી કુદાકુદ કરતા હોય. પછી અચાનક વરસાદ આવે, આપણા પર પણ થોડાં ટીપાં પડે. પછી અચાનક દરિયા પરથી પસાર થવાનું આવે, પછી આકાશ દેખાય, એમાં સુરજ – ચાંદો અને તારા દેખાય. બહુ મજાની રાઈડ હતી. મારા મામા તો મને જુહુ ના દરિયા કિનારે બીચ પર પણ ફરવા લઇ ગયેલા, ત્યાં શેકેલી મકાઈ ખાધેલી અને નાળીયેર પાણી પીધેલું.’
‘હું પણ મારા ગણેશ મામાને કહીશ તો એ મને કાંકરિયા લઇ જશે.’ બબલુ ઉત્સાહથી બોલ્યો. ‘હું પણ તારી સાથે આવીશ.’ નીલિમાએ કહ્યું. ‘પણ તું તો કહે છે ને કે તે બધું જોયું છે.’ ‘તો શું થયું,  હું ફરીથી બધું જોઇશ. મારા પપ્પાને કહીશ તો એ કારમાં કાંકરિયા ફરવા લઇ જશે.’ ‘મને પણ લઇ જશે?’ ‘હા, હું કહીશ તો  તને પણ લઇ લેશે.’ ‘નીલુ બેટા, વેકેશન પૂરું થવાના હવે બે જ દિવસ બાકી રહ્યા છે. તારું બાકી રહેલું હોમવર્ક કરી લે, પછી રમવા જજે’ નીલિમાની મમ્મીની બુમ સંભળાઈ. ‘મમ્મી,  બસ થોડી જ વારમાં આવું છું.’નીલિમાએ મમ્મીને કહ્યું. ‘મને હોમવર્ક કરવાનું અને સ્કુલે જવાનું જરા પણ ગમતું નથી.’  નીલિમાએ બબલુ ને કહ્યું. ‘કેમ નથી ગમતું?’ બબલુએ પૂછ્યું. ‘અમારા ટીચર બહુ કડક છે. મને જરાપણ ગમતા નથી. તને સ્કુલે જવાનું ગમે છે?’ ‘હા, મને તો સ્કુલે જવાનું અને ભણવાનું બહુ જ ગમે છે. હું તો ઘણું ભણીશ, અને મોટો સાહેબ થઈશ, પછી ઓફિસમાં બેસીને કામ કરીશ. પછી તો  હું ઘણા બધા રૂપિયા કમાઈશ.’
‘ઘણા બધા રૂપિયા કમાઈને તું શું કરીશ?’ ‘હું ઘણા રૂપિયા કમાઈ ને મારા બાપુ અને મામાને આપીશ, પછી મારા બાપુને ઘરકામ અને મામાને માળીકામ નહિ કરવું પડે. જેની પાસે ભણવા માટે પૈસા નહિ હોય એવા છોકરાઓને  હું ભણવા માટે પૈસા આપીશ. જેમની પાસે દવા કરાવવાના પૈસા નહિ હોય એવા માંદા માણસોને હું એમના ઈલાજ માટે  પૈસા આપીશ. કામ કાજ નહિ કરી શકતા ઘરડા માણસોને રહેવા અને જમવાના પૈસા પણ આપીશ, જેથી તેઓ આરામથી રહી શકે.’ ‘અરે વાહ બબલુ, મને ખબર જ નહોતી કે ભણવાથી આવા ફાયદા થાય છે. હવે તો હું પણ હવે બરાબર ભણીશ. ચાલ ત્યારે હું હોમવર્ક કરવા જાઉં.’

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ