રૂમ્બા... ઝુમ્બા... થુમ્બા. (બાળવાર્તા) પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
ભારત દેશમાં આવેલું ગુજરાત રાજ્ય, આ રાજ્યમાં આવેલું અમદાવાદ નામનું એક
મજાનું શહેર. અમદાવાદ શહેરમાં જોધપુર નામનું એક ગામ અને આ ગામમાં આવેલી નંદનવન
સોસાયટી. ૧૨ બંગલાઓની આ સોસાયટીમાં એક નંબરના બંગલામાં અજીતભાઈ એમના પત્ની અમીબહેન
અને એમની દીકરી આસ્થા સાથે રહે. બે નંબરના બંગલામાં સુરેશભાઈ એમના પત્ની સરલાબહેન
અને દીકરી સલોની સાથે રહે.
અજીતભાઈનો ‘ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ નો બીઝનેસ હતો જ્યારે સુરેશભાઈ ડૉકટર હતા. આસ્થા અને સલોની બંને એક જ
સ્કુલ અને એક જ ક્લાસમાં ભણતા હતા. એટલે બંનેમાં સારી ફ્રેન્ડશીપ હતી. અજીતભાઈના
ઘરે કોઈ માંદુ પડે તો સુરેશભાઈની જ દવા લઈને સાજા થતાં. અને સુરેશભાઈને ક્યાંક
ફરવા જવું હોય ત્યારે અજીતભાઈ જ એમને જરૂરી માહિતી, ડ્રાઈવર અને કાર અથવા ટેમ્પોટ્રાવેલર ભાડેથી આપતા. બંને કુટુંબ પૈસે ટકે અને બધી
રીતે સુખી હતા.
પણ આખા વિશ્વમાં અને ભારત દેશમાં
ફેલાઈ ગયેલા કોરોના નામના ભયંકર રોગને કારણે લોકોએ બહાર ફરવા જવાનું બંધ
કરી દીધું હતું. એટલે અજીતભાઈનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બીઝનેસ પડી ભાંગ્યો હતો. એમાં
વળી અજીતભાઈ કોરોનાના રોગમાં સપડાયા. સુરેશભાઈની ઓળખાણને કારણે એમને હોસ્પિટલમાં
જગ્યા તો મળી ગઈ. પંદર દિવસમાં તેઓ સાજા થઇને ઘરે આવી ગયા. પણ સારવાર દરમ્યાન મોંઘા
ઇન્જેકશનો અને દવાઓને કારણે એમના ઘણાબધા પૈસા ખરચાઈ ગયા. અત્યાર સુધી કરેલી બચત
લગભગ ખલાસ થવા આવી હતી.
અજીતભાઈને પોતાના સ્ટાફને પગાર આપવા માટે, અને પોતાના ઘરખર્ચ માટે પૈસા
ક્યાંથી લાવવા એની ચિંતા સતાવતી હતી. કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી
પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઇ રહ્યા હતા. અમીબહેન રોજ ભગવાનને પ્રાર્થના કરતાં અને આ
પરિસ્થિતિમાંથી ઉગારવાની વિનંતી કરતાં. એમને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. એક દિવસ અજીતભાઈ
અને આસ્થાને જમાડીને અમીબહેન જમવા બેસવાની તૈયારી જ કરતા હતા, ત્યાં એમના ઘરના
બારણે એક સાધુ જેવો માણસ આવ્યો અને બોલ્યો, ‘ભિક્ષાન્ દેહિ’ મતલબ કે ‘ભિક્ષા આપો’ અમીબહેને
એ સાધુને પોતાના ભાગનું જમવાનું આપી
દીધું. સાધુએ ખાવાનું પોતાના પાત્રમાં લઇ લીધું. પછી ખભે ભેરાવેલા થેલામાંથી
કાગળની એક પડીકી કાઢી અને અમીબહેનને આપતા કહ્યું, ‘ભગવાન તમારું ભલું કરે’
‘મમ્મી, સાધુબાબાએ શું આપ્યું ?’ ત્યાં હાજર રહેલ આસ્થાએ અમીબહેનને
પૂછ્યું. ‘લે તું જ જોઈ લે’ કહેતા અમીબહેન આસ્થાને કાગળનું પડીકું આપીને પોતાને માટે
ફળ અને દૂધ લેવા રસોડામાં ગયા. ’મમ્મી, આમાં તો કોઈ છોડના બીજ લાગે છે.’ આસ્થાએ
રસોડામાં જઈને મમ્મીને કહ્યું. આસ્થાને પહેલેથી જ ઝાડ પાન અને ફૂલ છોડ સાથે ખુબ
લગાવ હતો. એ બોલી પડી, ‘મમ્મા, આ બીજ હું આપણા ઘરની ક્યારીમાં રોપી દઉં ?’
અમીબહેને હા પાડી એટલે આસ્થા તો ખુશ થતી થતી ઘરની બહાર દોડી ગઈ. આસ્થાએ ક્યારીની
એક ખાલી જગ્યામાં ખોદકામ કરીને માટીમાં પેલા બીજ વાવી દીધા, અને થોડું પાણી પણ
છાંટી દીધું.
પછી આસ્થાની નજર પડીકીના કાગળ પર
ગઈ. આસ્થાએ ધ્યાનથી જોયું, તો કાગળમાં લખ્યું હતું, ‘રૂમ્બા... ઝુમ્બા... થુમ્બા.’
એને નવાઈ લાગી, કંઈ સમજાયું નહીં. એટલે ઘરમાં જઈને એણે કાગળ મમ્મીને બતાવ્યો, અમીબહેનને પણ કંઈ સમજાયું
નહીં એટલે એમણે એ કાગળ અજીતભાઈને બતાવ્યો. એમને પણ કંઈ સમજાયું નહીં, અને કાગળ
પાછો આસ્થાને આપ્યો. આસ્થાએ એ કાગળ પોતાની ભણવાની નોટમાં મૂકી દીધો.
પાંચમાં દિવસે આસ્થાએ રોપેલા
બીજમાંથી અંકુર ફૂટ્યા એ જોઇને આસ્થા રાજી
રાજી થઇ ગઈ. દસેક દિવસમાં એ છોડ એકાદ ફૂટ જેટલો વધ્યો અને પછીના પાંચ દિવસમાં એના
પર એક લાલચટ્ટક રંગનું પહેલા કદી નહીં જોયેલું એવું અનોખું ફૂલ આવ્યું, જેમાંથી સરસ
મીઠી સુગંધ પણ આવતી હતી. આસ્થા તો આ સુંદર અને સુગંધીદાર ફૂલ જોઇને ખુશીની મારી
ઉછળી જ પડી. એણે મમ્મી, પપ્પા અને સલોનીને
પણ આ ફૂલ બતાવ્યું. બધા જ આ અનોખું ફૂલ જોઇને રાજી થયા અને આસ્થાને અભિનંદન આપ્યા.
રાત્રે આસ્થાને સરસ ઊંઘ આવી ગઈ.
પણ આ શું ? બીજે દિવસે સવારે જાગીને આસ્થા અનોખા છોડની પાસે આવી ત્યારે એ
ફૂલ ગાયબ થઇ ગયું હતું. એને આઘાત લાગ્યો, એ ચીસ પાડી ઊઠી, ‘મારું અનોખું ફૂલ કોણે
ચોરી લીધું ?’ એની ચીસ સાંભળીને એના પપ્પા મમ્મી પણ બહાર દોડી આવ્યા. ફૂલ ગાયબ
થયું અને આસ્થા એને કારણે રડી રહી હતી, તે જોઇને એ બંનેને દુઃખ થયું. ‘મમ્મી,
સલોનીએ તો મારું ફૂલ નહિ લીધું હોયને ?‘
આસ્થાએ પોતાની આશંકા રજુ કરી. અમીબહેને એને સમજાવી, ‘બેટા, સલોની તારી ખાસ ફ્રેન્ડ
છે, એ શું કામ તને પૂછ્યા વગર તારું ફૂલ લે ? અને આમ જોયા જાણ્યા વગર કોઈના ઉપર પણ
આરોપ મુકવો સારી વાત ન કહેવાય. અરે, એક ફૂલ ગયું તો શું થઇ ગયું, એના પર બીજું ફૂલ
આવશે.’ એમણે આસ્થાને સાંત્વન આપ્યું.
બે દિવસ તો આસ્થાને નિરાશા મળી પણ ત્રીજા દિવસે ફરીથી એવું જ લાલચટ્ટાક
સુગંધીદાર ફૂલ છોડ પર ઉગ્યું, એ જોઇને
આસ્થા ફરી ખુશખુશાલ થઇ ગઈ. પણ એની ખુશી લાંબી ટકી નહીં, એ રાત્રે પણ કોઈ ફૂલ ચોરી
ગયું. પછી તો દર ત્રણ દિવસે ફૂલ ઉગે અને
રાત્રે કોઈ ચોરી જાય. અજીતભાઈએ સોસાયટીના વોચમેનને આ ફૂલચોરને પકડવાનું કામ
સોંપ્યું. પણ વોચમેનની કડક ચોકી હોવા છતાં ફૂલચોર પકડાયો નહિ, અને આસ્થા ખુબ દુઃખી
રહેવા લાગી.
વેકેશન પૂરું થયું, આવતી કાલથી આસ્થાના ઓનલાઈન કલાસીસ શરુ થવાના હતા. મમ્મીના કહેવાથી આસ્થા રાત્રે
સુતી વખતે બુક્સ અને નોટબુકસ સરખા કરતી હતી, ત્યારે એક કાગળ એની નોટબુકમાંથી સરી
પડ્યો. અરે, આ તો પેલા સાધુબાબા વાળો કાગળ. એણે કાગળ હાથમાં લીધો અને વાંચ્યો,
‘રૂમ્બા... ઝુમ્બા... થુમ્બા.’ બીજીવાર વાંચ્યો, ત્રીજીવાર વાંચતાની સાથે એની
રૂમમાં એક સુગંધ પ્રસરી, ‘અરે, આ તો પેલા અનોખા ફૂલ જેવી જ સુગંધ છે’ આસ્થા બોલી
પડી.
આસ્થાના રૂમમાં ધુમાડાની એક આછી લહર પ્રસરી અને પછી એમાંથી નીકળતો એક
આકાર દેખાયો. પહેલા તો આસ્થાને લાગ્યું કે આ કોઈ સપનું છે, પણ પછી એણે આંખો ચોળીને
જોયું તો એક મજાની પાંખોવાળી પરી ત્યાં એની બાજુમાં ઉભી હતી. ‘તું કોણ છે?’ એવા
આસ્થાના જવાબમાં બોલી ‘હું ફૂલપરી છું.’
‘ક્યાંથી આવી છો?’ એવા આસ્થાના સવાલના જવાબમાં એ બોલી, ‘હું પરી જગતમાંથી આવી છું’
‘શું કામ આવી છો?’ એવું આસ્થાએ પૂછ્યું ત્યારે ફૂલપરીએ કહ્યું, ‘હું તારી માફી
માંગવા આવી છું.’
‘માફી, શેના માટેની માફી ?’ આસ્થાને નવાઈ લાગી. ફૂલપરી બોલી, ‘તારા
બગીચામાં ઉગતું એ લાલચટ્ટક અને સુગંધીદાર
અનોખું ફૂલ હું જ લઇ જાઉં છું. તને પૂછ્યા વગર એ ફૂલ લેવા બદલ હું તારી માફી માંગુ
છું. અને -એક ફૂલ માટે એક સોનાનો સિક્કો-
એ પ્રમાણે તને આ સાત સોનાના સિક્કા આપવા આવી છું’ એમ કહેતા ફૂલપરીએ આસ્થાને સોનાના
સાત સિક્કા આપવા હાથ લંબાવ્યો’ પણ આસ્થાએ સોનાના સિક્કા લેવાનો ઇનકાર કર્યો અને
કહ્યું, ‘મને આ સિક્કા નથી જોઈતા, મને તો ફૂલ જ જોઈએ છે.’
ફૂલપરીએ કહ્યું, ‘આસ્થા, મારી વાતને સમજવાની કોશિશ કર. આ અનોખા ફૂલના છોડ
પર આખા વરસમાં માત્ર ત્રણ જ મહિના ફૂલ આવે છે. આખી દુનિયામાં આવા છોડ ખુબ જ ઓછા
પ્રમાણમાં થાય છે. ત્રણ મહિના દરમ્યાન થતાં આ ફૂલ અમને ફૂલપરીઓને આખા વરસની શક્તિ એટલે
કે ઉર્જા પ્રદાન કરે છે. અમારા માટે આ ફૂલ
એક ખુબ જ આવશ્યક ચીજ છે.’ આસ્થા આ સાંભળીને વિચારમાં પડી, એટલે ફૂલપરી
બોલી, ‘આ સોનાના સિક્કાથી જે પૈસા આવશે તેનાથી તારા પપ્પા એમની ઓફીસના બધા માણસોને
પગારના પૈસા આપી શકશે, જેનાથી ઓફીસના કર્મચારીઓ અને એમના ઘરના સભ્યોને ભૂખે મરવાનો
વારો નહીં આવે, અને તમારા ઘરખર્ચ માટેની તારા મમ્મીપપ્પાની ચિંતા પણ જતી રહેશે.’
આસ્થાને ફૂલપરીની વાત સાચી લાગી. એણે ફૂલપરીની વાત માનીને સોનાના સિક્કા
રાખી લીધા, અને એને ફૂલ લઇ જવા દેવાનું વચન આપ્યું. ‘રૂમ્બા... ઝુમ્બા... થુમ્બા. એનો
અર્થ શું થાય ?’ આસ્થાએ ફૂલપરીને પૂછ્યું. ‘એ અમારો મંત્ર એટલે કે કોડવર્ડ છે, તું
એને ત્રણવાર મોટેથી બોલીશ એટલે હું હાજર થઈશ અને ફૂલ આપવા બદલ તને સોનાના સિક્કા
આપીશ.’ પરી બોલી. ‘અરે વાહ! આ તો અમારા પાસવર્ડ અને પીન નંબર જેવું છે.’ આસ્થાએ
કહ્યું. ‘પાસવર્ડ અને પીનનંબર ? એટલે શું
?’ ફુલપરી કંઈ સમજી નહીં.
‘મારા પપ્પા, એ.ટી.એમ. મશીનમાં
કાર્ડ નાખીને સાચો પીનનંબર નાખે તો એકાઉન્ટમાં હોય એમાંથી માંગ્યા મુજબની રકમ બહાર
આવે. અને જે બેંકમાં અમારું એકાઉન્ટ હોય એની
સાઈટ પર ઓનલાઈન જઈને એમાં યુઝર આઈ ડી અને પાસવર્ડ નાખીને પપ્પા જેને આપવાના હોય
એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે. આસ્થાએ
કહ્યું. ‘આ તો ઘણી સરસ વ્યવસ્થા છે.’ ફૂલપરી બોલી. ‘હા, રૂમ્બા... ઝુમ્બા..
થુમ્બા. જેવી જ’ આસ્થા હસીને બોલી. ‘આસ્થા,
તું બોલાવશે ત્યારે હું આવીશ, પણ હા, હું માત્ર રાતે જ આવી શકીશ, દિવસે અમને
પૃથ્વી પર આવવાનું એલાઉડ નથી, એ વાત ધ્યાનમાં રાખજે.’ ‘ઓકે’ આસ્થાએ કહ્યું અને પરી
અદ્રશ્ય થઇ ગઈ. આસ્થા અતિ ઉત્સાહમાં આવીને
બોલી, ‘રૂમ્બા... ઝુમ્બા...
થુમ્બા. વાહ વાહ ! કેવો મજાનો કોડવર્ડ !’
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો