વાસુમાનું વહાલ. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
આનંદનગર નામનું એક નાનકડું મજાનું ગામ હતું. એ ગામમા બે બહેનપણી રહે, એક
ચંપા અને બીજી વાસંતી, બંનેની જોડી ખુબ જામે, એકબીજા વગર ચાલે નહીં. ગામની નાની
નિશાળમાં બંને બહેનપણીઓ ભણવા જાય. ચંપાને ભણવું ગમતું નહીં, એને તો બસ હરવા ફરવા
અને રમવામાં જ રસ. જ્યારે વાસંતી હસતી ગાતી કામગરી છોકરી, એને ભણવાનું બહુ ગમે.
ગામના લોકોને આ હસમુખી છોકરી બહુ ગમે, લોકો એને ‘વાસુ’ કહીને બોલાવે.
વાસુ સ્કુલેથી આવીને હોમવર્ક કરે અને ઘરમાં એની માને કામકાજમાં મદદ પણ
કરે. વાસંતી ચંપાને સમજાવીને સાથે ભણવા બેસે. એમ કરતા કરતા ચંપા ને વાસંતીએ ગામની
નિશાળમાં ચાર ધોરણ પાસ કર્યા. હવે પાંચમાં ધોરણથી આગળ ભણવું હોય તો બાજુના શહેરમાં
જવું પડે. ચંપાને તો ભણવું જ નહોતું એટલે એ ખુશ હતી, પણ વાસુને તો આગળ ભણવું હતું.
એને તો ભણી ગણીને ટીચર થવુ હતું.
આગળ ભણવું હોય તો શહેરની સ્કુલમા એડમીશન લેવું પડે, સ્કુલની ફી ભરવી પડે,
યુનિફોર્મ અને ચોપડીઓ લેવી પડે. બસમાં બેસીને જવાનું એટલે એના પૈસા પણ કાઢવા પડે.
વાસુના પિતા ગરીબ હતા, એટલા પૈસા ક્યાંથી લાવે? છેવટે વાસુએ મન હોવા છતાં ભણવાનું
છોડવું પડ્યું. એ ઘરના કામકાજમાં લાગી ગઈ.
પંદર વર્ષની થઇ એટલે વાસુના લગ્ન
ગામના જ એક છોકરા સુરેશ સાથે થયા. પછી તો
વાસુ ઘરકામમાં એટલી વ્યસ્ત થઇ ગઈ કે વર્ષો ક્યાં પસાર થઇ ગયા તે ખબર પણ ન પડી.
વાસુને ખોટ હોય તો એક જ વાતની કે એને કોઈ છોકરા છૈયા નહોતા. એ માટે વાસુ જ્યારે
અફસોસ કરતી તો સુરેશ કહેતો, ‘જે છોકરાને મા નથી એના પર તું વહાલ વરસાવ, એની દરકાર
કર, તને ખુશી મળશે અને છોકરાના આશીરવાદ.’
પછી તો વાસુએ અડોશ પાડોશના છોકરા સાથે આત્મીયતા કેળવી. એમને બપોરે ઘરે
બોલાવે, સારી સારી વાતો કહે, ઘરમાં જે કઈ હોય તે ખાવાનું આપે અને વહાલ વરસાવે.’
છોકરાઓ હવે એને ‘વાસુમા’ કહેતા. એ ખુબ ખુશ હતી. પણ વાસુમા પિસ્તાલીસ વર્ષના થયા
ત્યારે એમના પતિ સુરેશ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા. વાસુમાને માથે દુખના પહાડ
તૂટી પડ્યા, એ સાવ એકલા થઇ ગયા.
સમાચાર સાંભળીને ચંપા એને મળવા આવી અને બોલી, ‘અલી વાસુ, તું એકલી ક્યા
છે, અમે બધા તારી સાથે જ છીએ, ગામ આખાના છોકરા તને કેટલુ માન આપે છે, તને મા ગણે
છે, દરકાર કરે છે, માટે દુઃખ છોડીને બધાને અપનાવી લે.’ વાસુમાને ચંપાની વાત સાચી
લાગી.
એણે ઘરના એક ઓરડામાં ‘બાળ મંદિર’ શરુ કર્યું. ગામના રખડતા નાના છોકરાઓને
માત્ર ભણાવવાનું જ નહિ, નવડાવી ધોવડાવી ખવડાવીને સારી સારી વાતો શીખવવાની સાથે
સાથે ભણાવવાનું શરુ કર્યું.’ પોતે પૈસાના અભાવે ઘણું ભણી ન શક્યા તેથી ગામના
સરપંચને સમજાવીને, ગરીબ બાળકોને આગળ ભણવા પૈસા અને મદદ અપાવી.
ગામની એક ખાલી પડેલી, વગડાઉ જમીન પર સરપંચની પરમિશન લઈને, ગામ લોકોની
મદદથી શ્રમયજ્ઞ કરીને, એટલે કે ગામલોકોએ જાતે કામ કરીને બગીચો બનાવ્યો. બાળકોને માટે રમત ગમતના સાધનો મુકાવ્યા. અને
વેપારીઓની મદદથી બગીચામાં બેસવા બાંકડા મુકાવ્યા.
વાસુમા પાસે મોટો થયેલો અને ભણીને આગળ વધેલો છોકરો મહેશ બહારગામથી ઘણા રૂપિયા
કમાઈને આવ્યો. એને સમજાવીને ગામમાં સાત ધોરણ સુધીની શાળા માટે ઓરડા બંધાવ્યા. ગામલોકો
અને બાળકો વાસુમાની આ પ્રવૃત્તિથી ખુશ થઇ ગયા અને વાસુમાનો આભાર માન્યો.
રવિવારે કે રજાના દિવસે વાસુમાં જાતે બાળકોની ફોજ સાથે ગામને સાફ
રાખવા ઝાડુ, ટોપલા અને સાવરણા લઈને નીકળી
પડતા. ગામમાં કોઈ પણ બાળક જન્મે એટલે અથવા કોઈની વર્ષગાંઠ હોય ત્યારે છોડ વાવવામાં આવતા. આમ આનંદનગર એક સ્વચ્છ અને રળિયામણા ગામ તરીકે ઉભરી આવ્યું.
સીત્તેરમે વર્ષે જ્યારે વાસુમાં અવસાન પામ્યા ત્યારે ગામલોકો દુખમાં ડૂબી
ગયા. એમણે વાસુમાની યાદમાં ગામમાં એક દવાખાનું બંધાવ્યું. આમ વાસુમાં આજે પણ
ગામલોકોના મનમાં વસીને અમર થઇ ગયા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો