પીન્કુના સૂસ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
આજે સ્કુલેથી આવીને, સૂસ કાઢીને, સ્કૂલબેગ સોફામાં મૂકીને, મોં ફુલાવીને
પીન્કુ બારી પાસે મૂકેલા સ્ટુલ પર બેસીને બારીની બહાર જોવા લાગ્યો.
ખરેખર તો પીન્કુનું સાચુ નામ હતું ‘પિનાક’, પણ ઘરમાં અને સ્કુલમાં બધા એણે
પીન્કુ કહીને જ બોલાવતા. પીન્કુની મોટીબેન મેઘુ
એટલે કે મેઘનાએ એને દૂધ પીવા માટે અને નાસ્તો કરવા માટે બોલાવ્યો, તો પણ
પીન્કુ આવ્યો નહીં.
કીચનમાંથી પીન્કુની મમ્મીએ બુમ
પાડીને પીન્કુને બોલાવ્યો, ‘પીન્કુ, રોજ તો સ્કુલેથી આવીને પહેલાં દૂધ પીવા માટે
બુમાબુમ કરી મૂકે છે, ફટાફટ નાસ્તો કરવા આવી જાય છે, અને આજે કેમ આમ મોં ફુલાવીને
બેઠો છે, શું થયું છે ?’
પણ પીન્કુભાઈ તો મમ્મીની બૂમ સાંભળીને પણ જરાય હાલ્યા ચાલ્યા નહીં, બસ,
સ્ટુલ પર બેસીને બારીની બહાર જોઈ રહ્યા. એટલે પપ્પાએ આવીને એને ઊંચકી લીધો,
સોફામાં પોતાના ખોળામાં લઈને બેઠા અને ગલીપચી કરી તો પણ પીન્કુ ન હસ્યો.
પપ્પાએ પૂછ્યું, ‘આજે મારા રાજાબેટાને સ્કુલમાં કોઈએ કંઈ કહ્યું?’ હવે
પીન્કુના અબોલા છૂટી ગયા અને એ બોલ્યો, પપ્પા, આપણે આ વર્ષે મારા નવા સૂસ લીધા નથી
ને, એટલે મારા ભાઈબંધો મારા ગયા વર્ષના જુના સૂસને લીધે મને ચીઢવે છે.’ પીન્કુનું
રડમસ મોં જોઇને એનાથી બે વર્ષ મોટી એની જ સ્કુલમાં ભણતી મેઘનાએ ગુસ્સાથી કહ્યું,
‘પીન્કુ, સ્કુલમાં તને કોણ ચીઢવે છે તે
મને કહેજે, કાલે હું એ બધાને એવા તો
ફટકારીશ કે તને ચીઢવાવાનું બંધ કરી દેશે.’
‘મેઘુ, તારા ગુસ્સાને શાંત કર, બેટા. વાત વાતમાં આમ ગુસ્સે નહીં થવાનું,
સમજી?’ મમ્મીએ કહ્યું. ‘પણ મમ્મી, એ લોકો પીન્કુને ચીઢવે તો આપણે કંઈ કરવાનું
નહીં?’ મેઘનાએ દલીલ કરી. ‘ના, શાંત નહીં બેસવાનું, આપણે ક્લાસટીચર ને કહી
દેવાનું.’ મમ્મીએ કહ્યું.
‘જો બેટા, પીન્કુ. તારા સૂસ હજી સારા છે, ફાટી નથી ગયા કે જુના પણ નથી થઇ
ગયા. અને વસ્તુ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવાની.’ મમ્મીએ કહ્યું. ‘પપ્પા,
મમ્મી ભલે એમ કહે, હું જુના સૂસ પહેરીને કાલે સ્કુલે નહીં જાઉં’ કહીને પીન્કુ ઘરની
બહાર રમવા જતો રહ્યો.
‘કાલે ઊઠીને એ સ્કૂલબેગ અને વોટર બોટલ પણ નવી માંગશે, હવે આને કેમ કરીને
સમજાવવો ?’ મમ્મી બોલી. ‘તું ચિંતા ન કર,
આવતી કાલે સ્કુલમાં જતી વખતે તું એને દસ મિનિટ વહેલો તૈયાર કરજે. હું એને સ્કુલે
મૂકવા જઈશ ત્યારે રસ્તામાં સમજાવી દઈશ.’ પપ્પાએ કહ્યું.
‘ભલે.’ કહીને મમ્મી રસોડામાં રસોઈ કરવામાં વ્યસ્ત થઇ ગઈ. પીન્કુ બહારથી
રમીને આવ્યો ત્યારે એના ‘પેટમાં ચૂહા દોડતા હતા’
એટલે કે એણે ખુબ ભૂખ લાગી હતી. ‘મમ્મી, ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આપ’
કહેતો પીન્કુ રસોડામાં આવી ગયો.
‘તું બહારથી રમીને આવ્યો છે, તારા હાથ પગ ધૂળવાળા છે, પહેલાં બાથરૂમમાં
જઈને હાથ પગ સાબુથી સારી રીતે ધોઈને, નેપકીનથી લુછીને આવ, ખાવાનું તૈયાર જ છે.’
મમ્મીએ કહ્યું. પીન્કુ હાથ પગ ધોઈને આવ્યો એટલે બધા સાથે બેસીને જમ્યા. પછી મેઘના
અને પીન્કુએ હોમવર્ક કર્યું, બીજા દિવસના ટાઈમ ટેબલ પ્રમાણે સ્કૂલબેગમાં બુક્સ
ગોઠવી અને પછી બધા સુઈ ગયા.
બીજા દિવસે સવારે મમ્મીએ પીન્કુને દસ મિનિટ વહેલો જગાડ્યો. આમ તો
પીન્કુને સ્કુલે જવાનું ગમતું, પણ આજે ‘જુના સૂસ પહેરીને સ્કુલે નથી જવું’ કહીને
એણે આનાકાની કરી. પપ્પાએ એણે પ્રેમથી
સમજાવ્યો અને કહ્યું, ‘આજે હું તને સ્કુલે મૂકવા આવું છું.’ ત્યારે એ તૈયાર થયો.
સ્કુલે જવાના રસ્તામાં પપ્પાએ એક
જગ્યાએ થોડી ઝૂંપડીઓ હતી ત્યાં સ્કુટર ઉભું રાખ્યું. પછી પીન્કુને લઈને એ
વિસ્તારમાં ફર્યા. પીન્કુએ જોયું તો એ લોકો કાચા મકાનમાં રહેતા હતા, જમીન પર કે
કાથીની ખાટલી પર સૂતા હતા, સુકુ પાકુ વધેલું ઘટેલું ખાતા હતા, ફાટેલા અને ગંદા
કપડા પહેરતા હતા, છોકરાઓના પગમાં બુટ ચપ્પલ નહોતા.
પીન્કુના પપ્પાએ એને આ બધું બતાવ્યું અને પછી પૂછ્યું, ‘બેટા, હવે કહે, આ લોકોને જોઇને તને શું લાગે
છે?’ પીન્કુએ કહ્યું, ‘પપ્પા, આ લોકો પાસે તો આપણા જેટલી વસ્તુઓ પણ નથી, છતાં તેઓ
ખુશીથી જીવે છે. હવે હું નવા સૂસ માટે જીદ નહિ કરું. મારી બર્થડે પર આપણે આ લોકોને
કપડા આપીશું અને કેક ખવડાવીશું, હેં ને
પપ્પા?’
પપ્પા હસીને બોલ્યા, ‘હા બેટા, આપણે આમને જરૂર મદદ કરીશું.’ એ દિવસે
પીન્કુ જુના સૂસની કે દોસ્તોની ચીઢામણીની
પરવા કર્યા વિના ખુબ ઉત્સાહથી સ્કુલમાં ગયો. બાલદોસ્તો ! તમે પણ તમને જરૂર
ન હોય એવી ચીજો ગરીબ લોકોને આપીને, કે તમારા પોકેટમની માંથી પૈસા બચાવીને એમને મદદ
કરજો, કરશો ને?
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો