કેશવની કેરીની વાડી. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
‘મીનુ, એ ય મીનુ, શું કરે છે, જલ્દી ચાલ, ગટુ,
રાજુ, ગુડ્ડી બધા તારી રાહ જોઈ રહ્યા છે.’
બધા મિત્રો ભેગા થઈને સાઈકલ ચલાવવા જવા માટે
તૈયાર થઇ ગયા હતા, ફક્ત મીનુ હજી નહોતી આવી એટલે થોડી વાર એની રાહ જોઇને પછી સોનુ
એને બોલાવવા એના ઘરે ગયો. મીનુ ઝડપથી ઘરની બહાર આવી અને હોઠ પર આંગળી મુકીને
સોનુને ચુપ રહેવા ઈશારો કર્યો, પછી ધીમેથી બોલી, ‘એય સોનુ મોટે મોટેથી બુમો ન પાડ,
મારો નાનો ભાઈ મોન્ટુ જાગી જશે, કેટલા બધા હીંચકા નાખ્યા અને કેટલી બધી રાઈમ્સ સંભળાવી,
ત્યારે માંડ માંડ એ સુતો છે.’
‘જલ્દી કર મીનુ, બધા તારી રાહ જુએ છે, તારી સાઈકલ
લઈને આવજે, આજે તો સોસાયટીમાં સાઈકલની રેસ લગાવવી છે.’ સોનુએ ધીરેથી એને કહ્યું. ‘ઉભો રહે, હું મમ્મીને પૂછીને આવું’ અને મીનુએ
ઘરમાં જઈને મમ્મીને પૂછ્યું, ‘મમ્મી, હું મારા ફ્રેન્ડસ સાથે સાઈકલ ચલાવવા જાઉં ?’ ‘તેં તારું હોમવર્ક કરી
લીધું છે ? ‘ મમ્મીએ પૂછ્યું. ‘હા, મમ્મી, હોમવર્ક કરી લીધું છે, ફક્ત મેથ્સના થોડા સમ્સ
નથી આવડતા, તે પપ્પા ઘરે આવે પછી એમની પાસે શીખી લઈશ, હું જાઉં ?’ ‘સારું, જા. પણ સાઈકલ સાચવીને ચલાવજો, સોસાયટીની બહાર ન જતા, અને ટાઈમસર બધા
પાછા ઘરે આવી જજો.’ ‘ઓકે મોમ’
મીનુને સાઈકલ લઈને આવેલી જોઇને બધા ભાઈબંધો ખુશ
થઇ ગયા. સાઈકલ રેસમાં ‘સોસાયટીના એક ગેટથી બીજા ગેટ સુધી
જવાનું જે પહેલા આવે તે જીતે,’ એવું નક્કી
થયું. પણ આ શું ? હજી એ લોકો પોતપોતાની
સાઈકલ લઈને એક ગેટ પર પહોંચે તે પહેલા જ ખબર પડી કે સોસાયટીનો રસ્તો તો કોઈકે
સિમેન્ટની મોટી પાઈપ આડી ગોઠવીને બંધ કર્યો છે. બધા પોતાની સાઈકલ થોભાવીને ઉભા રહી
ગયા, ત્યાંજ સોસાયટીના સેક્રેટરી શાહ અંકલને આવતા જોઇને ગટુએ પૂછ્યું, ‘અંકલ, આ
રસ્તો કેમ બંધ કર્યો છે ?’ ‘સોસાયટીનો રસ્તો તૂટી ગયો હતો, તે રીપેર કર્યો છે,
એટલે રસ્તો બંધ કર્યો છે.’ ‘હવે અમે સાઈકલ ક્યાં ચલાવીએ ?’ ગુડ્ડીએ પૂછ્યું. ‘ત્રણ
ચાર કલાકમાં રસ્તો રીપેર થઇ જશે, પછી તમે સાઈકલ ચલાવજો, ત્યાં સુધી બીજું કંઈ
રમો.’ કહીને શાહ અંકલ જતા રહ્યા.
બાળકો વિચારમાં પડ્યા, ‘હવે શું રમીએ ?’ ‘ચાલો
રેતીના ઢગલા પર જઈએ અને રેતીનો મહેલ
અને કિલ્લો બનાવીએ.’ મીનુએ સુચન કર્યું, જે બધાને પસંદ પડ્યું. બધા સાઈકલ ઘરે
મુકીને રેતીના ઢગલા પાસે ગયા, ‘અરે, આ શું ? કાલે અહીં હતો તે રેતીનો ઢગલો ક્યાં
ગયો ? ‘ ‘કોને પૂછીએ ?’ બાળકો એવા વિચારમાં હતા, ત્યાં એમને દુરથી વોચમેન રામુ આવતો દેખાયો.
બાળકોએ રામુને રેતીના ઢગલા વિષે પૂછ્યું, ‘એ રેતી તો સોસાયટીનો રસ્તો રીપેર
કરવામાં વપરાઈ ગઈ’ રામુનો જવાબ સાંભળી
બાળકો નિરાશ થઇ ગયા. ત્યાંથી બધા સોસાયટીના ગાર્ડનમાં ગયા, ત્યાં થોડીવાર થપ્પો રમ્યા, પછી જગ્યા નાની પડતા ત્યાં
પણ કંટાળ્યા. ‘હવે શું કરવું ?’ એવું વિચારીને
બાળકો ગાર્ડનની બહાર આવ્યા, ત્યાં જ સોનુના ઘરે ઝાડુ – પોતા કરવાનું અને વાસણ –કપડા ધોવાનું કામ કરતો નોકર શામજી આવતો દેખાયો, એના હાથમાં
થોડી કાચી કેરીઓનો ઝૂમખો હતો. કેરીઓ જોઇને
બધા બાળકોને કેરી ખાવાની ઈચ્છા થઇ.
‘શામજી, આ કેરીઓ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઇ જાય
છે ?’ સોનુએ એને પૂછ્યું. ‘બાબાભાઈ, આ કેરીઓ કેશવની વાડીએથી લઇ આવ્યો છું, શેઠાણી બાએ અથાણું કરવા માટે મંગાવી છે,’ શામજીએ કહ્યું.
‘અમારે કેરીઓ ખાવી છે, અમને આપીશ ?’ ગટુએ હોઠ પર જીભ ફેરવતા પૂછ્યું. ‘આ કેરીઓ તો
ઘણી કાચી છે, ચીક (ચીકણો રસ) વાળી છે, હું તમારે માટે કાલે ખાઈ શકાય એવી થોડી ચીક
વગરની પાકી કેરીઓ કેશવની વાડીએથી લઇ આવીશ.’ આટલું કહીને શામજી કેરીઓ લઈને સોનુના
ઘરે જવા માટે ચાલતો થયો.
‘સોનુ, તેં કેશવની કેરીની વાડી ક્યાં આવી તે જોઈ
છે ?’ ગટુએ સોનુને પૂછ્યું, ‘હા, હું શામજી સાથે બે વાર ત્યાં શાકભાજી અને ફ્રુટ્સ
લેવા ગયો હતો, એટલે વાડી મેં જોઈ છે.’ સોનુ બોલ્યો. ‘ચાલો, આપણે જઈને કેશવની
વાડીએથી કેરીઓ લઇ આવીએ.’ ગટુના મગજમાં હજી
પણ કેરીઓ રમતી હતી. ‘મમ્મીને પૂછીને પછી જઈએ?’ મીનુએ કહ્યું. ‘ના, ના. તો તો આન્ટી
આપણને જવા નહિ જ દે, કેરીઓ ખાવી જ હોય તો આપણે ચુપચાપ નીકળી જવું જોઈએ. ગટુએ કહ્યું. બધાને
કેરી ખાવાની તીવ્ર ઇચ્છા થઇ હતી, એટલે ગટુની વાત સાંભળી બધા કેશવની કેરીની વાડીએ
જવા તૈયાર થઇ ગયા. અને સોનુની આગેવાની હેઠળ સોસાયટીના પાછલા રસ્તેથી બધા નીકળી
પડ્યા.
વાડીએ પહોંચ્યા ત્યારે નાના નાના આંબા પર હાથ વડે
તોડી લેવાય એવી કેરીઓ લટકેલી જોઇને બધા ખુશ થઇ ગયા. આજુબાજુ જોયું તો વાડીમાં કેશવ
કે બીજું કોઈ દેખાયું નહીં. કેરીઓ જોઇને એની સુગંધથી મોમાં પાણી આવતું હતું. ગટુથી
રહેવાયું નહિ એટલે એણે બે ત્રણ કેરીઓ તોડી, એ જોઇને બાકીના ચારે જણમાં પણ હિંમત
આવી અને એમણે પણ બે ત્રણ કેરીઓ તોડી. એવામાં કેશવનો જોરથી ઘાંટો સંભળાયો, ‘ત્યાં
કોણ છે, કોણ વાડીમાંથી કેરીઓ તોડી રહ્યું છે ?’ દુરથી કેશવને આવતો જોઇને પાંચેય ભાઈબંધો ગભરાયા. ‘ભાગો,
જલ્દી જલ્દી ભાગો, નહીતર આપણે પકડાઈ જઈશું
તો માર ખાવો પડશે’ સોનુએ બધાને ભાગવા કહ્યું.
પાંચેય બાળકો હતું એટલું જોર કરીને ઘર જવાના
રસ્તે દોડ્યા. ‘ઉભા રહો, તમારી જાતના ચોર મારું’ એમ બોલતો કેશવ પણ આ નાનકડા કેરી ચોરોને પકડવા દોડ્યો. મીનુ
અને ગુડ્ડી તો ઘભરાઈને દોડતા દોડતા જ રડવા માંડયા. ‘અરે આપણને કંઈ નહીં થાય, કેશવ અંકલ કરતા તો આપણે ફાસ્ટ ભાગીશું, એ આપણને પકડી
નહીં શકે.’ રાજુએ બધાને કહ્યું. ‘જલદી ભાગો, નહીતર કેશવ અંકલ
આપણને પકડી પાડશે’ એટલું કહીને ગટુએ
ગુડ્ડીનો અને અને સોનુએ મીનુનો હાથ પકડી
લીધો, અને ભાગીને સોસાયટીમાં આવી ગયા. સોનુના ઘરનો દરવાજો ખુલ્લો જોઇને બધા દોડીને
ઘરમાં સંતાઈ ગયા.
‘ભાગી ભાગીને બધા જશો ક્યાં, હું બધાને પકડી લઈશ’
એમ બુમો પાડતો કેશવ સોનુના ઘરના દરવાજે આવીને ઉભો રહ્યો. બુમાબુમ સાંભળીને સોનુની
મમ્મી ઘરમાંથી બહાર આવી, બારણે કેશવને ઉભેલો જોઈને પૂછ્યું, ‘શું થયું ભાઈ, તમે
કોણ છો અને કેમ બુમો પાડો છો ?’ ‘હું કેશવ છું, અને તમારા છોકરાઓ મારી વાડીમાની
કેરીઓ તોડી લાવ્યા છે.’ કેશવ ગુસ્સાથી બોલ્યો. ‘સોનુ, ગટુ, આ ભાઈ શું
કહે છે, તમે લોકો એમની વાડીએથી કેરીઓ તોડી લાવ્યા છો ?’ સોનુની મમ્મીએ પૂછ્યું. બાળકોએ
કેરીઓ એમના હાથમાં પીઠ પાછળ છુપાવી રાખી હતી. મમ્મીએ કેરીઓ જોઈ લીધી હતી,
એટલે હવે સાચું બોલ્યા વિના છૂટકો
નહોતો.
‘હા, મમ્મી, અમે કેશવ અંકલની વાડીએથી કેરીઓ તોડી
છે.’ સોનુ બોલ્યો. ‘પૂછ્યા વિના કોઈની પણ ચીજ વસ્તુઓ લેવી નહીં એવું મેં તને કહ્યું
હતું કે નહીં સોનુ ? તો પછી તેં કેરીઓ
પૂછ્યા વિના કેમ તોડી ?’ ‘સોરી મમ્મી, આજે અમે શામજીને કેરી લાવતો જોયો, અમને
ખાવાની ઈચ્છા થઇ, અમે એની પાસે માંગી છતાં
એણે અમને કેરી આપી નહિ, એટલે અમે કેરીઓ તોડી’ સોનુ રડમસ અવાજે બોલ્યો. પોતાનું નામ
અને અવાજ સાંભળીને શામજી ઘરમાં વાસણ સાફ કરતો હતો તે બહાર આવ્યો.
‘અરે શામજી તું ?’ કેશવે પૂછ્યું. ‘હા, હું અહી
કામ કરું છું, પણ તું અહીં કેમ આવ્યો છે ?’ શામજીએ પૂછ્યું. ‘અરે, આ છોકરાઓ મારી
વાડીએથી કેરી તોડી લાવ્યા એટલે અહી આવવું પડ્યું.’ કેશવ બોલ્યો. ‘માફ કરજો ભાઈ,
છોકરાઓની ભૂલ થઇ ગઈ, હું તમારા પૈસા ચૂકવી આપીશ.’ સોનુના મમ્મીએ કહ્યું. ‘તમે શામજીના શેઠાણી છો, તમારી પાસે હવે શું
પૈસા લઉં ?’ કેશવ આનાકાની કરતા બોલ્યો. શામજી અને કેશવને પરસાળમાં બેસાડીને સોનુના મમ્મીએ ચા નાસ્તો કરાવ્યા અને કેશવને એની કેરીના
પૈસા પણ આપ્યા.
બીજે દિવસે સવારે બાળકો સ્કુલે જવા તૈયાર થયા, પણ
આ શું ? મીનુની સ્કુલબેગમાંથી ‘કલરબોક્સ’ ગાયબ હતું, સોનુની સ્કુલબેગમાથી એની
નોટબુક ગાયબ હતી, ગુડ્ડીની તો વોટરબોટલ જ નહોતી મળતી, કેટલી શોધી છતાં રાજુની બુક
જ ન મળી, તો ગટુનું પ્રિય એવું ‘લંચ બોક્સ’ ખોવાઈ ગયું હતું. બાળકો પોતાની
વસ્તુઓ ન મળી તો દુખી થઇ ગયા. સ્કુલે જતી વખતે સોસાયટીના નાકે આવેલા બસસ્ટોપ પર
છોકરાઓ એકબીજાને મળીને પોતાની વસ્તુ ખોવાઈ ગઈ એ બાબતે દુખ વ્યક્ત કરતા હતા. એમને
સ્કૂલબસ આગળ છોડવા આવેલી એમની મમ્મીઓએ પુછ્યું, ‘પોતાની વસ્તુઓ ચોરાઈ જાય તો કેવું
લાગે, તે ખબર પડીને બાળકો ?’ ‘હા, મમ્મી, પોતાની વસ્તુઓ ખોવાય તો ખુબ દુખ થાય છે.’
બધા એકસાથે બોલી ઉઠ્યા. ‘તો નક્કી કરો કે તમે કોઈની વસ્તુ પૂછ્યા વિના નહિ લેશો.’
‘ક્યારેય નહીં લઈએ. બધા બોલી ઉઠ્યા.
પછી મીનુની મમ્મીએ એનું કલર બોક્સ પાછું આપ્યું,
સોનુની મમ્મીએ એને નોટબુક પાછી આપી, ગુડ્ડીને એની વોટરબેગ પાછી મળી, રાજુને એની
બુક પાછી મળી અને ગટુને સ્વાદિષ્ટ વાનગી ભરેલું એનું લંચ બોક્સ પાછું મળ્યું.
પાંચેય ભાઈબંધો ખુશી ખુશી સ્કુલમાં ગયા. વાચક બાલમિત્રો, તમે પણ નક્કી કરો કે ‘કોઈની
પણ ચીજ તમે એને પૂછ્યા વિના નહીં લો, ખરું ને ? ‘
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો