છોટુ. પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
‘ગુડ મોર્નિંગ,
મેમ.’ ‘લીટલ બટરફ્લાય’ સ્કુલના બીજા
ધોરણના વર્ગમાં, ડ્રોઈંગ ટીચર માલતીબેન દાખલ થયા એટલે વિધાર્થીઓએ બેંચ પરથી ઉભા
થઈને એમનું અભિવાદન કર્યું. ‘ગુડ મોર્નિંગ મારા વહાલા નાનકડા મિત્રો’ માલતીબેને
હસીને એમનું અભિવાદન ઝીલતા કહ્યું, અને એમના, ‘સીટ ડાઉન’ - ‘બેસી જાઓ’ ના બોલ
સાંભળતા જ બાળકો પાછા પોતપોતાની જગ્યાએ બેસી ગયા.
‘મેં ગઈકાલે આપેલું
હોમવર્ક તો તમે બધા કરીને લાવ્યા જ હશો, ખરું ને ? યસ ઓર નો ?’ માલતીબેને પૂછ્યું.
‘યસ....યસ’ ના નારાથી ક્લાસ ગુંજી ઉઠ્યો. ‘જે
હોમવર્ક નથી કરી લાવ્યું, તે પોતાનો હાથ ઉંચો કરે.’ માલતીબેને ચશ્મા સરખા
કરતા એક નજર ક્લાસમાં બેઠેલા બાળકો તરફ કરી. એક પણ હાથ ઉંચો નહીં થયો એ જોઇને
માલતીબેને હસીને કહ્યું, ‘અચ્છા, તો તમે બધા જ લેસન કરી લાવ્યા છો, એમ ને ? હું
હમણા જ બધાની ડ્રોઈંગબુક તપાસવાની છું.’
‘મેમ,મેમ..’
મોન્ટુએ ડરતા ડરતા હાથ ઉંચો કર્યો. ‘હા, મોન્ટુ, બોલ તું હોમવર્ક નથી કરી લાવ્યો ?
કેમ નથી કર્યું ?’ ‘મેમ, કાલે મારા ઘરે
ગેસ્ટ આવ્યા હતા, એટલે મારું હોમવર્ક રહી ગયું છે.’ ‘હં, કોઈ બીજાનું હોમવર્ક બાકી છે ?’ માલતીબેને
પૂછ્યું. ‘મેમ, અમે કાલે ડીનર પર બહાર ગયા હતા, ઘરે પહોંચતા મોડું થયું એટલે મારું
હોમવર્ક પણ બાકી રહી ગયું છે.’ શીના ધીમેથી બોલી. ‘જેમનું હોમવર્ક બાકી હોય તે ઉભા
થાવ, અને પાછળની બેંચ પર બેસીને હોમવર્ક પૂરું કરો.’ માલતીબેને કહ્યું એટલે
મોન્ટુ, શીના અને બીજા ત્રણ બાળકો પોતાની સ્કૂલબેગ લઈને પાછલી બેંચ પર જઈને પોતાના
ડ્રોઈંગમાં કલર કરવા લાગ્યા.
‘મેમ, મારી પાસે
કલર્સ નથી.’ અમીએ ડરતા ડરતા માલતીબેનને કહ્યું. ‘તારી પાસે કલર્સ કેમ નથી ?’ મેમે
પૂછ્યું. ‘મારી મમ્મીને તાવ હતો એટલે એ બજારમાં નથી ગઈ, પપ્પા આજે ઓફીસેથી ઘરે
આવશે ત્યારે મારા માટે કલર્સ લઇ આવશે.’ અમી બોલી. માલતીબેને બેલ મારીને પ્યુનને
બોલાવ્યો, અને સ્ટાફરૂમના કબાટમાંથી અમી માટે કલર્સ મંગાવ્યા. કલર્સ આવ્યા એટલે
અમી ખુશ થઈને પાછલી બેંચ પર બેસીને એના ડ્રોઈંગમાં કલર્સ પુરવા માંડી.
‘ચાલો, હવે જેમના
ડ્રોઈંગ કમ્પ્લીટ છે, એ લોકો વારાફરતી મારી પાસે આવીને ચેક કરાવી જાઓ’ એમ બોલતા
બોલતા માલતીબેન બ્લેકબોર્ડ પાસે મુકેલા
ટેબલની પાછળની ખુરશી પર બેસી ગયા. બાળકો એક પછી એક આવીને મેમ પાસે પોતાની બુક ચેક
કરાવવા માંડ્યા. મેમ એમના ડ્રોઈંગ ચેક કરીને, સૂચના આપીને, ગ્રેડ આપીને, સહી કરતા ગયા. જ્યારે રોહને
પોતાની ડ્રોઈંગબુક માલતીબેનને આપી ત્યારે એનું ડ્રોઈંગ જોઇને મેમ બોલ્યા, ‘રોહન, આ
શું છે ? તેં ચિત્ર તો સરસ બનાવ્યું, એમાં રંગો પણ સારી રીતે પૂર્યા, પણ પછી એના
પર આડા અવળા લીટા કેમ કર્યા ?’
રોહન પોતે પોતાના
ડ્રોઈંગમાં આડા અવળા લીટા જોઇને ઘભરાઈ ગયો, એ ‘મેમ, મેમ..મેમ..’ એટલું જ બોલી
શક્યો. ‘બોલ રોહન, આવું સરસ ડ્રોઈંગ કરીને
એના પર લીટા કેમ કર્યા તેં ?’ માલતીબેને એને ધીરેથી પૂછ્યું. રોહને કહ્યું, ‘મેમ,
મને નથી ખબર કે મારા ચિત્રમાં લીટા કોણે કર્યા.’ રોહને રડમસ અવાજે કહ્યું. હવે માલતીબેન ફૂટપટ્ટી લઈને ઉભા થયા, અને કડક
અવાજે ક્લાસના વિધાર્થીઓને પૂછ્યું, ‘સાચું કહેજો, રોહનની બુકમાં લીટા કોણે કર્યા
છે ?’ બધા વિધાર્થીઓ ઘભરાઈ ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, ‘મેમ, અમે લીટા નથી
કર્યા.’
‘રોહન, તું તારી
સ્કૂલબેગ મુકીને ક્યાંક ગયો હતો ?’ ‘હા, મેમ. સ્કુલમાં આવીને હું ક્લાસમાં
સ્કૂલબેગ મુકીને પાણી પીવા ગયો હતો.’ ‘તો કોઈએ એ જ વખતે આ તોફાન કર્યું લાગે છે,
આપણે આવું કરનારને શોધી કાઢીશું.’ માલતીબેને એની બુક પાછી આપતા કહ્યું. બધા
બાળકોનું હોમવર્ક ચેક કર્યા પછી માલતીબેને બાળકોને કમળનું ફૂલ કઈ રીતે દોરાય તે
બતાવ્યું, બધા બાળકોએ પોતાને આવડે એ મુજબનું ફૂલ દોર્યું, મેમે એમને એમાં ઘરેથી
કલર કરી લાવવાનું કામ સોંપ્યું.
બેલ વાગવાને થોડા
સમયની વાર હતી, એટલે મેમે બધાને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વાત કરી.
ગાંધીજી નાના હતા, ત્યારે એકવાર એમણે ઘરમાં ચોરી કરી હતી, પણ પછી સાચી વાત કહી
દઈને, પસ્તાવો વ્યક્ત કર્યો હતો, અને પછી હંમેશા સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી
એ વાત કરી. બાળકો એકધ્યાન થઈને માલતીબેનની વાત સાંભળી રહ્યા. ‘બાળકો તમે પણ ગાંધીજીની
જેમ હંમેશા સાચું જ બોલશોને ?’ એમ જ્યારે માલતીબેને પૂછ્યું ત્યારે સૌ સાથે બોલી
ઉઠ્યા, ‘યસ, મેમ.’ ‘તો સાચું બોલો, રોહનની બુકમાં લીટા કોણે કર્યા ?’ ‘અમે નથી કર્યા.’ ફરી સૌ સાથે બોલી ઉઠ્યા. ‘હં, મારે કંઈ બીજો ઉપાય અજમાવવો પડશે’ માલતીબેન
મનોમન બોલ્યા. સ્કુલ છુટવાનો બેલ વાગ્યો એટલે બાળકો કિલકારી કરતા ઘરે જવા દોડ્યા, અને
માલતીબેન સ્ટાફરૂમ માં ગયા.
રોહન સ્કુલબસમાંથી
ઉતર્યો ત્યારે એની મમ્મી બસસ્ટેન્ડ પર
લેવા આવી હતી. ‘રોહન, આજે શું કર્યું સ્કુલમાં?’ મમ્મીએ પૂછ્યું એટલે રોહને
કહ્યું, ‘મમ્મી, મારા ડ્રોઈંગમાં કોઈએ લીટા મારી દીધા’ ‘અચ્છા, એવું કોણે કર્યું ?’
મમ્મીએ પૂછ્યું. ‘મને ખબર નથી.’ રોહને કહ્યું. ઘરે પહોંચીને રોહને મમ્મીને પોતાનું
ડ્રોઈંગ બતાવ્યું, મમ્મી એના પરના લીટા જોઇને વિચારમાં પડી ગઈ, પછી રોહનને
પૂછ્યું, ‘કાલે તેં ડ્રોઈંગ કરીને પછી બુક સ્કૂલબેગમાં મૂકી હતી કે બહાર જ
રાખી હતી ?’ ‘બહાર જ હતી.’ રોહન બોલ્યો.
‘હવે સમજાયું, લીટા કોણે કર્યા.’ મમ્મી હસીને બોલી. ‘કોણે કર્યા, મમ્મી ?’ રોહને
પૂછ્યું. ‘છોટુએ.’ મમ્મી બોલી. છોટુ રોહનનો નાનો ભાઈ હતો, એનું નામ રાહુલ હતું, પણ
એ નાનો હતો એટલે ઘરમાં બધા છોટુ કહીને બોલાવતા હતા, છોટુ ચાર વર્ષનો હતો.
‘છોટુએ ? તને કેવી
રીતે ખબર પડી કે લીટા એણે કર્યા છે ?’ રોહને નવાઈથી પૂછ્યું. ‘જો, તારા
ડ્રોઈંગમાના કલર્સ અને લીટાના કલર્સ સેમ ટુ સેમ છે, મતલબ લીટા તારા પેન્સિલ કલરથી
જ થયા છે, આજે તું તારા કલર્સ સ્કુલે લઇ જવાનું ભૂલી ગયો હતો, એનો મતલબ કે લીટા
કોઈએ સ્કુલમાં નહીં પણ ઘરમાં છોટુએ જ કર્યા છે.’ મમ્મી બોલી. ’ઓહો મમ્મી, તું તો
ડીટેકટીવ મમ્મી છે ને કંઈ?’ રોહન નવાઈ પામીને બોલ્યો.
‘પણ એ છોટુડાને હું
નહીં છોડું.’ રોહને વળી ગુસ્સામાં કહ્યું. ‘બેટા, તું નાનો હતો ત્યારે તેં પણ
એકવાર પપ્પાની ઓફિસની ડાયરીમાં ઇન્ક્પેનથી લીટા કરેલા, પપ્પાની ડાયરી ખરાબ થઇ
ગયેલી અને ઇન્કપેનની નિબ પણ તૂટી ગયેલી.’ ‘ઓહ, તો તો પછી, પપ્પા મારા પર ગુસ્સે થયા હશે ?’
રોહને પૂછ્યું. ‘હા, પણ પછી પપ્પાએ પોતાની ડાયરી અને પેન યોગ્ય ઠેકાણે મુકવાનું
શરુ કરેલું, અને તને કોરા પેપર્સ અને બોલપેન આપાવેલા’ મમ્મીએ માહિતી આપી, અને
ઉમેર્યું, ‘આપણે છોટુને એક ડ્રોઈંગ બુક
અને કલર્સ અપાવી દઈશું, અને બેટા, હવે કલર્સ કરીને તું પણ તારી ડ્રોઈંગ બુક અને
કલર્સ તારી સ્કૂલબેગમાં મૂકી દેજે.’ મમ્મીએ હસીને કહ્યું.
‘ઓકે મોમ, હવે હું
ફ્રેન્ડસ જોડે રમવા જાઉં ?’ એમ કહીને રોહન,
છોટુને વહાલ કરીને, મમ્મીની પરમીશન લઈને હસતો
કુદતો સોસાયટીમાં ફ્રેન્ડસ સાથે રમવા ગયો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો