બબલ બોય પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
સ્કુલોમાં પરીક્ષા પતી ગઈ હતી, અને ઉનાળુ વેકેશન શરુ થઇ ગયું હતું, એટલે બાળકો
ખુશ હતા. જાણે ડબ્બામાં પુરાયેલા પ્રાણીઓને છુટા ન કર્યા હોય? કેટલાક બાળકો એમના
મમ્મી પપ્પા સાથે ગરમીથી બચવા કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાના હતા. કેટલાક બાળકોના
ઘરે દાદા દાદી કે નાના નાની રહેવા આવવાના હતા, એટલે તેઓ ખુશ હતા. કેમ કે દાદા દાદી
વાર્તા મજાની કહે અને વહાલ પણ ખુબ કરે. વળી મમ્મી પપ્પા કરતા પણ તેઓ બાળકોની કાળજી
વધારે કરે. મમ્મી પપ્પા કોઈ વાતે બાળકો પર ગુસ્સે થાય તો દાદા દાદી બચાવે.
કેટલાક બાળકોને મમ્મી પપ્પાએ
સારું રીઝલ્ટ લાવવા બદલ, ટ્રાઇસિકલ, બાઈસીકલ, બોલ બેટ, કિચન સેટ, ફૂટબોલ, વગેરે
ચીજો લઇ આપવાનું વચન આપ્યું હતું, એટલે તેઓ પણ ખુશ હતા. કેટલાક બાળકોને એમના મમ્મી
પપ્પા આ વેકેશનમાં ફિલ્મ જોવા અને સરકસ જોવા પણ લઇ જવાના હતા. કેટલાક બાળકો મમ્મી
પપ્પા સાથે ફનફેરમાં જવાના હતા, અને ચગડોળ, મેરી ગો રાઉન્ડ મા બેસવાના હતા. તો કેટલાક બાળકો હોર્સ
રાઈડીંગ પણ કરવાના હતા. બધા બાળકો ખુબ ખુશ હતા, તેઓ વેકેશન મૂડમાં આવી ગયા હતા.
કેટલાક બાળકોને એમના મમ્મી પપ્પાએ ડ્રોઈંગ ક્લાસ, અક્ષરલેખન ક્લાસ, કરાટે
ક્લાસ, ડાન્સ ક્લાસ, મેથ્સ ક્લાસ વગેરે ક્લાસ માં દાખલ કરી દીધા હતા, જેથી
બાળકોને, ‘મમ્મી, હવે હું શું કરું ? એવી
ફિકર ન સતાવે. અને મા બાપને પણ ‘આખો દિવસ બાળકોને કેમ હેન્ડલ કરવા?’ જેવી આફતમાંથી મુક્તિ મળે. આવા એક્સ્ટ્રા ક્લાસ
વાળા બાળકો થોડા નિરાશ હતા. પણ એ તો થોડા સમય માટે જ. બાકી તો સવાર સાંજ ભાઈબંધો
સાથે મસ્તી કરવા મળવાનું જ હતું ને?
રોહન પણ સીનીયર કે.જી. પાસ કરીને ફર્સ્ટમાં આવ્યો હતો. પપ્પાએ દોડાદોડી
કરીને શહેરની સારામાં સારી સ્કુલમાં એનું એડમીશન કરાવી દીધું હતું. એને એના પપ્પા
રોજ સવારે સ્વીમીંગ ક્લાસમાં લઇ જવાના હતા, એ સિવાય બાકીના સમયમાં રમવાનું જ હતું, ટીવી પર
કાર્ટૂન જોવાનું હતું, ગમે તો કલરિંગ બુકમાં કલર કરવાનો હતો. એટલે રોહન ખુબ ખુશ હતો. એના ઘરની સામેના
ફ્લેટમાં જ એનો ફ્રેન્ડ ભાવિન રહેતો હતો. ભાવિન એકલો જ હતો, એને કોઈ ભાઈ કે બહેન
નહોતા.
ભાવિનની સાથે બેસીને રોહન કાર્ટૂન જોતો હતો અને એની નાની બહેન નિક્કીએ ત્યાં પડેલું રીમોટ લઈ ચેનલ બદલી નાખી. કાર્ટૂન જોવામાં ભંગ
પડ્યો એટલે રોહને નિક્કીને ધમકાવી, નિક્કી રડવા લાગી. રસોડામાંથી મમ્મી આવી એટલે
રોહને કહ્યું, ‘મમ્મી, જો ને નિક્કી ચેનલ બદલી નાખે છે અને મને કાર્ટૂન જોવા નથી
દેતી.’ મમ્મીએ નિક્કીને ઉચકી લીધી, વહાલ કરીને એને શાંત પાડી અને રીમોટ રોહનને
આપ્યું.
‘મમ્મી, તું નિક્કીને શા માટે લઇ આવી, એને હોસ્પીટલમાં પાછી મૂકી આવ’
રોહને કહ્યું. ભાવિન બોલી ઉઠ્યો, ‘આન્ટી મારા ઘરે નાની બેન નથી, નિક્કીને હું મારા
ઘરે લઇ જાઉં?’ મમ્મીએ રોહનને પૂછ્યું,
‘બોલ, નિક્કીને ભાવિનના ઘરે મોકલી દઈએ?’ એટલે રોહન બોલી ઉઠ્યો, ‘ના, મમ્મી. નિક્કી
મારી બેન છે, એને હું કોઈને નહિ આપું.’ ‘ચાલ, તો પછી નિક્કીને વહાલી કરી દે.’ અને
રોહને નિક્કીને ‘જાદુની ઝપ્પી’ આપી, નિક્કી હસી પડી. એ રાત્રે રોહને સુતી વખતે
કહ્યું, ‘મમ્મી, મને એક વાર્તા કહેને.’ મમ્મીએ કહ્યું, ‘રોહન, આજે હું તને એક સાચી
બનેલી વાર્તા કહું, સાંભળ’
‘ઘણા વર્ષો પહેલાંની
આ વાત છે’ મમ્મીએ વાર્તાની શરૂઆત કરી.
‘મમ્મી, ઘણા વર્ષો એટલે કેટલા વર્ષો પહેલાની વાત છે?’ રોહને કૂતુહલ પૂર્વક મમ્મીને પૂછ્યું. ‘ઘણા વર્ષો પહેલા એટલે
તું જ્યારે જન્મ્યો પણ નહોતો, એટલા વર્ષો પહેલાની વાત છે’ મમ્મીએ હસીને એને જવાબ આપ્યો. ’મમ્મી હું ક્યારે
જન્મ્યો?’ ‘બેટા, તું છ વર્ષ પહેલાં જન્મ્યો.’ ‘ઓકે, એટલે હું
સિક્સ ઈયર્સ નો થયો ને?’ ‘હા, પણ હવે હું કહું છું તે વાર્તા તું ધ્યાનથી
સાંભળ. વાત છે અમેરિકા દેશની.’ ‘દેશ મીન્સ કન્ટ્રી ને, મોમ? અમેરિકા
ક્યાં આવ્યું, મમ્મા?’
‘આપણા ભારત દેશથી ઘણું
દૂર આવ્યું. એટલું દૂર કે ત્યાં જવું હોય તો એરોપ્લેનમાં જવું પડે અને ત્યાં
પહોંચતાં ઘણા કલાકો લાગે.’
‘આઈ
નો મોમ, મારો ફ્રેન્ડ શૈલ છે ને, એનાં કાકા અમેરિકા જ રહે છે. એણે અમને અમેરિકાની
મસ્ત ચોકલેટસ પણ ખવડાવી છે. ને આપણી નેબર પીન્કી
નાં ફોઈ પણ અમેરિકા જ રહે છે ને? એની પાસે
ત્યાંની મસ્ત ડોલ છે.’ ‘હા બેટા, સાંભળ. અમેરિકા દેશના ટેક્સાસ રાજ્યની આ વાત છે. ચોક્કસ સમય કહું તો ૧૯૭૧ નાં વર્ષની ૨૧ મી ડિસેમ્બરે ત્યાં એક
અનોખા બાળકનો જન્મ થયો.
‘અનોખા એટલે શું?’ ‘અનોખા એટલે યુનિક. બધા કરતા જુદો જ.’ ‘ઓકે, એનું નામ શું હતું?’ ‘એનું નામ રાખવામાં આવ્યું, ‘ડેવિડ ફિલિપ વેટ્ટર’ ‘એવું કેવું નામ, મમ્મી?’ ‘અમેરિકામાં આવા નામ કોમન હોય, બેટા. તું વાત તો સાંભળ.
તને ખબર છે કે હોસ્પિટલમાં બાળક જન્મે પછી તરત એને એની માતાને સોંપવામાં આવે છે. માતાની
સોડમાં બાળક ખૂબ સલામતી અનુભવે છે. અને માતા એ બાળકની ખૂબ સંભાળ રાખે છે.’
‘તું મારી અને નીક્કી ની રાખે
છે, એમ જ ને?’ ‘હા. પણ આ બાળક ડેવિડ જન્મ્યો કે તરત જ એટલે કે દસ જ સેકન્ડમાં જ એને
પ્લાસ્ટિકનાં સ્ટરિલાઇઝ્ડ ફુગ્ગામાં મૂકી દેવામાં આવ્યો.’ ‘કેમ એને એવું કર્યું
મમ્મી?’ રોહને જીજ્ઞાસાવશ પૂછ્યું. ‘કેમ કે એને ‘એસ સીઆઈ ડી એસ’ એટલે કે ‘સિવિયર કમ્બાઇન્ડ ઈમ્યુન ડેફીસયન્સી
સિન્ડ્રોમ’ નામની પરંપરાગત બીમારી જન્મથી જ લાગુ પડી હતી.’ ‘એનાથી શું થાય, મને કઈ
સમજાયું નહિ મમ્મી.’
‘બેટા, આ રોગને કારણે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગની સામે લડવાની
શક્તિ સાવ ઓછી થઈ જાય છે. જેને લીધે ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.’ ‘એટલે એને
ફુગ્ગામાં રાખ્યો?’ ‘હા, એની સેફટી ખાતર એને ફુગ્ગામાં એટલે કે બબલમાં રાખ્યો અને
એને લીધે એ ‘બબલબોય’ તરીકે ઓળખાયો.’ ‘અચ્છા? તો તો એને રમવાનું અને ખાવાનું બધું
નહિ મળતું હોય.’ ‘રમવાનું તો પોસીબલ નહોતું, પણ એના માટે ખાવા પીવાની વ્યવસ્થા
બબલમાં જ ગોઠવી હતી.’
‘ઓકે, મમ્મી. પણ એને પછી
કાયમ બબલમાં જ રાખ્યો?’ ‘હા, ડેવિડ બાર વર્ષનો થયો ત્યારે, એટલે કે ૭ મી
ફેબ્રુઆરી, ૧૯૮૪ નાં રોજ ‘બોનમોરો ટ્રાન્સપ્લાન્ટ’ નામની સારવાર આપવા એને પહેલીવાર ફુગ્ગામાંથી
બહાર લાવવામાં આવ્યો. એને એની માતાનો પ્રથમ સ્પર્શ ત્યારે
થયો.’ ‘‘સ્પર્શ’ એટલે?’ ‘‘સ્પર્શ’ એટલે
‘ટચ.’ ‘અરે વાહ, મમ્મી, આ તો બહુ સરસ કહેવાય. હું અને નીક્કી તો રોજ તને વળગીને સુઈ જઈએ, હે ને?
એને પણ એની મમ્મીની ‘જાદુની ઝપ્પી’ મળી એટલે તો મઝા આવી હશે.’ ‘હા, એ દ્રશ્ય ખુબ જ ભાવસભર
હતું, પણ એ લાંબુ ન ટકયું. મા- બાળકનો એ પ્રથમ સ્પર્શ છેલ્લો સ્પર્શ બની રહ્યો. ‘બોનમોરો ટ્રાન્સપ્લાન્ટ’ સફળ ન રહ્યું અને ૨૨ મી ફેબ્રુઆરી, ૧૯૮૪ નાં
રોજ ડેવિડ એટલે કે ‘બબલ બોય’ મૃત્યુ પામ્યો.’
‘ઓહ ! હાવ સેડ ! વેરી ટ્રેજિક સ્ટોરી, મોમ.’ ‘યેસ માય ડીયર સન. એટલે જ
કહું છું કે - ભગવાને આપણને આવો કોઈ જીવલેણ રોગ નથી આપ્યો, અને તંદુરસ્ત જીવન
આપ્યું છે, એ બદલ એમનો આભાર માનવાનો, એમની પ્રાર્થના કરવાની. તારે તારી નાની બેન નીક્કી સાથે મળી સમજીને રહેવાનું, ફ્રેન્ડસ સાથે ઝઘડા નહિ
કરવાના, અને હંમેશા સારા કામો કરવાના, સમજ્યો?’ ‘હા, મમ્મી. તારી વાત એકદમ સમજી
ગયો.’ ‘ધેટસ લાઈક અ ગુડ બોય. ચાલ હવે શાંતિથી સુઈ જા.’ ‘ઓકે મોમ, લવ યુ મોમ.’ ‘લવ યુ ટુ માય ચાઇલ્ડ.
ગુડનાઈટ.’
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો