ચશ્મીશ ચચ્ચુ. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ
ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘
હાથીનું બચ્ચુ મોન્ટુ મદનિયું, હરણનું બચ્ચુ હિનુ, વાઘનું બચ્ચુ વોગલી,
વાંદરાનું બચ્ચુ વંશી, કુતરાનું બચ્ચુ પીન્ટુ, અને બગીચામાં હાજર હતા એ બધા બચ્ચાઓએ
મળીને સસલાના બચ્ચા સોનુને ચીઢવતા એકસાથે ઉપર મુજબનો નારો લગાવ્યો. સોનુએ ત્યાં
પડેલી લાકડી લીધી, અને એ લઈને એ બધાને
મારવા દોડ્યો, પણ બધા દોડીને આમતેમ ભાગી ગયા, અને પછી ઝાડની પાછળ સંતાઈને ફરીથી સોનુને
ચીઢવવા લાગ્યા, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું
બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’ સોનુએ લાકડી ફેંકી દીધી અને રડતો રડતો પોતાના ઘરે
જતો રહ્યો.
સોનુને રડતો રડતો ઘરમાં દાખલ થયેલો જોઇને એની મમ્મીએ પૂછ્યું, ‘શું થયું સોનુ,
તું કેમ રડે છે ? તું બગીચામાં રમવા ગયો હતો ને ? ત્યાં પડી ગયો ? તને કંઈ વાગ્યું
? બોલ તો ખરો કે તને શું થયું છે ?’ ‘મને બગીચામાં મારા બધા દોસ્ત ચીઢવે છે, હવે
હું એ લોકો સાથે કોઈ દિવસ પણ રમવા નહીં જાઉં, એ બધાની કટ્ટી, કટ્ટી, કટ્ટી.’ સોનુ
મોઢું ચઢાવીને એક ખૂણામાં બેસી ગયો. ‘એવું નહીં કરાય બેટા, એ બધા તારા દોસ્ત છે,
એમની કટ્ટી કરશે તો આખું વેકેશન તું કોની સાથે રમશે ?’ મમ્મીએ સોનુને સમજાવતા
કહ્યું. ‘મારા દોસ્ત છે, તો મને ચીઢવે છે શું કામ ?’ સોનુ મોં ફુલાવીને બોલ્યો. ‘એ
લોકો તને શાના માટે ચીઢવે છે ?’ મમ્મીએ પૂછ્યું પણ સોનુ કંઈ બોલ્યો નહીં. ‘અચ્છા,
એ તો કહે, એ લોકો તને શું કહીને ચીઢવે છે ?’ મમ્મીએ ફરીથી પૂછ્યું. ‘એ લોકો મને ‘ચશ્મીશ
ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ‘ચશ્મીશ ચચ્ચુ,
બિલાડીનું બચ્ચુ’ કહીને ચીઢવે છે.’ સોનુ
બોલ્યો.
અને મમ્મી ખડખડાટ હસી પડી, એથી સોનુ વધારે ચીઢાયો અને બોલ્યો, ‘તું મારા
દોસ્તોની વાત પર હસે છે, મમ્મી ? જા, હું તારી સાથે પણ નહીં બોલું.’ ‘જો બેટા,
સાંભળ, તું ચશ્મા પહેરે છે, એટલે એ લોકો તને ચીઢવે છે ને ?’ મમ્મીએ સોનુને સમજાવતા
કહ્યું. ‘તો હું હવેથી ચશ્મા નહીં પહેરું’ કહેતા સોનુએ ચશ્મા કાઢીને પલંગમાં
ફેંક્યા. ‘અરેરે ! સંભાળીને બેટા, ચશ્મા તૂટી જશે તો તને વંચાશે નહીં, અને દેખાશે પણ નહીં. બીજા ચશ્મા બનાવવા માટે આપણે
ફરીથી શહેરમાં ‘આઈ સ્પેશીયાલીસ્ટ ડોક્ટર(આંખના ડોક્ટર) પાસે જઈને આંખના નંબર
કઢાવવા પડશે, ચશ્માની ફ્રેમ લેવી પડશે, લેન્સ કરાવવા પડશે, આપણો સમય, શક્તિ અને
પૈસા બધું જ વેસ્ટ થશે.’
‘સોરી મમ્મી, પણ તું જ કહે, તો પછી હું શું કરું ?’ સોનુએ રડમસ અવાજે પૂછ્યું. ‘ સાંભળ, એ લોકોને
તને ‘ચશ્મીશ ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’ કહીને ચીઢવે છે, પણ તું ક્યાં બિલાડીનું
બચ્ચુ છે, તું તો સસલાનું બચ્ચુ છે, ખરું કે નહીં ?’ મમ્મીએ હસીને સોનુને કહ્યું. ‘હા,
પણ મને ચશ્મીશ કહે છે એનું શું ?’ સોનુએ મૂળ પ્રશ્ન કર્યો. ‘હું એ લોકોને સમજાવીશ
પછી તને એવું નહીં કહે, ઓકે ?’ મમ્મીએ પલંગ પરથી ચશ્મા લઈને સોનુને પહેરાવતા
કહ્યું. ‘ઓકે મમ્મી, મને બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપ.’ સોનુએ પોતાનું ખાલી પેટ
મમ્મીને બતાવતા કહ્યું.
સોનુની મમ્મી કિચનમાંથી ગુલાબી રંગના મઝાના કુણા કુણા ગાજર લઇ આવી અને
સોનુને આપતા કહ્યું, ‘લે ગાજર ખા, એકદમ તાજા તાજા અને મીઠા મીઠા છે.’ ‘મમ્મી મારે
ગાજર નથી ખાવા, મને નથી ભાવતા.’ સોનુએ ગાજરની પ્લેટ દુર ખસેડી કાઢતા કહ્યું. ‘તો
તારે શું ખાવું છે ?’ ‘મારે ગાંઠીયા ખાવા છે.’ સોનુએ પોતાની ડીમાન્ડ રજુ કરી.
‘બેટા, ગાંઠીયા, ભજીયા, પીઝા, પાસ્તા, બટાકાવડા, એવો બધો તળેલો અને ચરબીવાળો ખોરાક
આપણી હેલ્થ માટે સારો નથી.’ ‘પણ મને ગાજર જેવો ઘાસફૂસ ખોરાક ટેસ્ટલેસ લાગે છે, મને
તો ચટાકેદાર ખાવાનું જ ભાવે.’ સોનુએ કહ્યું. ‘એને લીધે જ તને ચશ્મા આવ્યા છે.’
મમ્મીએ નારાજ થતા કહ્યું. ‘મમ્મી, પ્લીઝ. આજનો દિવસ ગાંઠીયા ખાવા આપ ને’ સોનુએ મમ્મીને
રીક્વેસ્ટ કરી. મમ્મીને દયા આવી ગઈ, એટલે એણે બાજુની સોસયટીના નાકે પાળી પર કોઈએ
પશુ – પંખીઓના ખાવા માટે વેરેલા ગાંઠિયા એ સવારે લઈ આવી હતી, તે સોનુને ખાવા
આપ્યા. સોનુ મહારાજ તો ખુશખુશાલ ગાંઠીયા ખાવા લાગ્યા.
સાંજે સોનુના પપ્પા જોબ પરથી ઘરે આવ્યા, હાથ પગ અને મોં ધોઈને ફ્રેશ થયા,
ત્યારે સોનુની મમ્મીએ એમને દૂધ અને ખાવાનું આપ્યું, પછી બંને સાથે બેસીને દિવસભર
બનેલી ઘટનાઓ વિષે વાત કરવા લાગ્યા. સોનુની મમ્મીએ સોનુ સાથે બગીચામાં બનેલા બનાવ
વિષે કહ્યું, અને પૂછ્યું, ‘આપણા સોનુને જ કેમ ચશ્માં છે, આપણને બંનેને,
સોનુની નાની બેનને કે એના બીજા કોઈ
દોસ્તને તો ચશ્મા નથી ?’ સોનુના પપ્પાએ સોનુને બોલાવીને પાસે બેસાડ્યો, પછી પોતાનો
મોબાઈલ લીધો અને ગુગલ ખોલીને એના પર ઈન્ટરનેટની મદદથી સર્ચ કરી, તો જાણવા મળ્યું કે ‘મોબાઈલ અને
ટીવીના વધુ વપરાશથી આંખોનું તેજ ઘટે છે, જંક અને ફાસ્ટ ફૂડ ખાવાથી પણ આંખોનું તેજ
ઘટે છે, લીલા શાકભાજી, ગાજર – કાકડી –મુળા જેવા ગ્રીન સલાડ ખાવાથી આંખોનું તેજ વધે
છે, સવાર – સાંજ લીલા ઘાસ પર ચાલવાથી પણ આંખોનું તેજ વધે છે, પગના તળિયામાં ગાયનું
ઘી ઘસવાથી આંખોનું તેજ વધે છે..’
‘પપ્પા, હું આ બધું કરું તો મારા ચશ્માનો નંબર ઉતરી જાય ખરો ? પછી મારે
ચશ્મા નહીં પહેરવા પડે ?’ સોનુ પપ્પાની વાત સાંભળીને બોલ્યો. ‘હા બેટા, હજી તારે ચશ્માના
ઓછા નંબર છે, એટલે નંબર ઉતરી જવાની શક્યતા
છે, પણ એ માટે તારે મેં બતાવ્યા તે ઉપાયો સિન્સીયરલી કરવા પડે.’ પપ્પાએ કહ્યું.
‘એમ કરવાથી ચશ્માના નંબર ઉતરી જતા હોય તો
એ કરવા હું તૈયાર છું’ સોનુ ઉત્સાહપૂર્વક બોલ્યો. ‘ઠીક છે, તો તારું આ વેકેશનનું
ધ્યેય, ‘ચશ્માના નંબર ઉતારવાનું’ નક્કી. અમે પણ તને એમાં પુરતો સહકાર આપીશું.’
મમ્મીએ કહ્યું. અને પછી તો સોનુએ તળેલો અને ચરબીવાળો ખોરાક બંધ કરીને લીલા શાકભાજી
અને સલાડ ખાવાના શરુ કર્યા, રોજ સવાર સાંજ લીલા ઘાસ પર ચાલવાનું શરુ કર્યું, પગના
તળિયે ગાયનું ઘી ઘસવા માંડ્યું, ટીવી જોવાનું અને મોબાઈલ વાપરવાનું ઓછું કરી
નાખ્યું.
છ મહિનામાં સોનુના ચશ્માના નંબર ઉતરી ગયા, એને ચશ્મા વગર જ બધું સરસ વંચાવા
અને દેખાવા માંડ્યું. એ જ્યારે ચશ્મા વગર બગીચામાં રમવા પહોંચ્યો, ત્યારે મોન્ટુ,
હિનુ, વોગલી, વંશી, પીન્ટુ, બધા દોસ્તો નવાઈથી એને ઘેરી વળ્યા, એને ‘‘ચશ્મીશ
ચચ્ચુ, બિલાડીનું બચ્ચુ’, ચીઢવવા બદલ ‘સોરી’ કહેવા લાગ્યા. સોનુએ બધાને માફ કર્યા,
સોનુ બધા મિત્રોની સાથે પહેલાની જેમ આનંદથી રમવા લાગ્યો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો