કાઈપો જ છે. પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
પર્વતની તળેટીમાં ખળખળ વહેતી નદીના કિનારે એક નાનકડું ગામ હતું, ગામનું
નામ સરસપુર. ગામમાં લગભગ દોઢશો એટલે કે એકસો ને પચાસ જેટલા નાના- મોટા, કાચા- પાકા
ઘરો હતા. ગામમાં શાકભાજીની દુકાન હતી, તો કરિયાણા (અનાજ – કઠોળ) ની પણ દુકાન હતી,
કપડા સીવનાર દરજીની દુકાન હતી, અને ચપ્પલ બુટ સીવનાર મોચીની દુકાન હતી, માટલાં-
કોડિયા બનાવનાર કુંભારનો ચાકડો હતો અને વાસણ બનાવનાર કંસારાની દુકાન હતી, હળ-
દાતરડી જેવા ઓજારો બનાવનાર લુહારની દુકાન હતી અને ઘરેણા બનાવનાર સોનીની દુકાન હતી.
એક તરફ એક નાનકડું દવાખાનું હતું, ડોક્ટર માંદા માણસોને દવા આપીને સાજા
કરતા. ગામને પાદરે એક નાનકડી નિશાળ હતી,
છોકરાઓ ત્યાં ભણવા જતા, રીસેસમાં રમતા અને વેકેશનમાં મજા કરતાં. ખેડૂત લોકો
ખેતરમાં કામ કરીને અનાજ – કઠોળ – શાકભાજી – ફળો પકવતા. સ્ત્રીઓ ઘર સંભાળતી, રસોઈ
બનાવતી, પશુઓની અને છોકરાઓની સંભાળ રાખતી. બધા સંપીને સારી રીતે રહેતા હતા. હોળી,
ધૂળેટી, નવરાત્રી , દિવાળી જેવા તહેવારો ખુબ સાદાઈથી અને આનંદથી બધા સાથે મળીને
ઉજવતા.
ગામના એક છેડે નાનકડું હરિયાળું એટલે કે લીલું છમ્મ ઉધાન હતું, લોકો એને
‘બાગ’ કે ‘બગીચા’ ના નામે ઓળખતા. બગીચામાં ખુબ બધા ઝાડ હતા, ઝાડ પર ચકલી, કોયલ,
કબુતર, કાગડા, પોપટ, મેના, જેવા પક્ષીઓ વસતા હતા, નાનકડી ખિસકોલીઓ આમ તેમ દોડાદોડી
કરતી તે જોવાની મઝા આવતી. ક્યારેક બંદરસેના એટલે કે વાંદરાઓનું ટોળું પણ આ બાગમાં
આવી જતું, નાના નાના બાળવાંદરાઓ માતાના પેટને વળગીને નાની નાની આંખોથી બધું તાકી
તાકીને જોતા. બાળકો આ બગીચામાં રમવા જતા, ઝાડને બાંધેલા દોરડાથી હિંચકા ખાતા,
વડીલો બાંકડે બેસીને સૂરજનો કુમળો તડકો ખાતા અને ગપાટા (વાતચીત) મારતા.
ગામને પાદરે એક શિવમંદિર હતું, મંદિરના પૂજારી વાળી ઝૂડીને મંદિર ચોખ્ખું
રાખતા, દીવો સળગાવતા, અગરબત્તી સળગાવતા, ભગવાનની આરતી ઉતારતા અને ભજનો ગાતા, લોકો ભગવાનને પ્રણામ કરવા અને પ્રાર્થના કરવા
આવતા, બહેનો મંદિરમાં આવીને વ્રત અને જપ કરતી. તહેવારના દિવસે સત્યનારાયણની કથા પણ
થતી. મંદિરમાં થત ઘંટારવથી વાતાવરણ પવિત્ર લાગતું. લોકો પૂજારીને પ્રણામ કરીને દાન
દક્ષિણા આપતા.
ગામના સરપંચ ચીમનભાઈ પટેલ ગામનું અને ગામના લોકોનું ધ્યાન રાખતા. સરપંચના
પત્ની રમીલાબેન ને બધા ‘પટલાણી’ કહીને બોલાવતા, પટલાણીને સારા સારા વસ્ત્રો અને
ઘરેણા પહેરવાનો શોખ હતો, બાજુના શહેરમાં જઈને
પટેલ અને પટલાણી કપડા અને ઘરેણા ખરીદી લાવતા અને શહેરમાં પરણાવેલી મોટી દીકરીને
મળી પણ આવતા. સરપંચ અને પટલાણીના નાના દીકરાનું નામ લક્ષ્મણ હતું,
બધા એને ‘લખન’ કહીને બોલાવતા. લખનની
પાસે જાતજાતના અને ભાતભાતના રમકડાં હતા.
ચાવીથી ચાલતી કાર, બેટરીથી ચાલતી ટ્રેન, લાઈટ ઝબુકે એવો બોલ, ક્રિકેટરો વાપરે એવી
મસ્ત મસ્ત બેટ અને ઘણું બધું. એ પોતાના રમકડાં બધાને બતાવતો, પણ કોઈને રમવા આપતો
નહિ, અડકવા પણ ન દેતો.
એકવાર ઉત્તરાયણ – મકરસંક્રાંતિ એટલે કે પતંગ ચગાવવાનો ઉત્સવ આવ્યો. ઘરે
ઘરે મમરા – તલ અને શીન્ગના લાડુ અને ચીકી બનવા માંડી. ગરમ થતાં ગોળની સુગંધ નાકમાં
પેસી જઈને ખાવા માટે લલચાવવા માંડી. બોર અને જમરુખ નામના ફળોના ઢગલે ઢગલા આવવા
માંડ્યા. વડીલો બાળકો માટે પતંગ અને દોરી ભરેલી ફીરકીઓ લઇ આવ્યા. બાળકો ઉત્તરાયણના
આગલા દિવસે પતંગોને કિન્ના બાંધવામાં પ્રવૃત્ત એટલે કે બીઝી થઇ ગયા. ઉત્તરાયણ ના દિવસે સ્કુલમાં રજા હતી, એટલે બાળકો તો પતંગ અને
દોરી લઈને નીકળી પડ્યા, આકાશ સ્વચ્છ હતું અને પવન પણ સરસ હતો.
આકાશ આખું રંગ બેરંગી પતંગોથી શોભી ઉઠ્યું. આકાશમાં ઉડતાં પક્ષીઓ
શરૂઆતમાં મૂંઝાઈ ગયા, પણ પછીથી પતંગોની વચ્ચેથી કેમ ઉડવું તે એમણે શીખી લીધું. થોડા
પતંગો વચ્ચે પેચ પણ થયા, અને ‘કાઈપો છે..’ ના નારાથી વિજેતા પતંગવાળાઓએ નારા પણ
લગાવ્યા. રવિએ મોરાનો પતંગ કાપ્યો, મોરાએ છોટુનો પતંગ કાપ્યો, છોટુએ રમણનો પતંગ
કાપ્યો, રમણે રવિનો પતંગ કાપ્યો, એમ બધાએ પતંગ ચગાવવાની અને કાપવાની મઝા લીધી. થોડીવાર પછી લખન એની દોરી અને પતંગ લઇ આવ્યો,
અને હુંકાર કર્યો, ‘એય, હવે તમારા બધાની ખેર નથી, મારો પતંગ ચગે એટલી જ વાર, તમને
બધાને ધૂળ ચાટતા કરું છું, જોઈ લેજો.’
બધાએ ‘જા જા હવે, તું શું અમારો પતંગ કાપતો હતો, અમે જ તારો પતંગ કાપી
નાખીશું’ એમ કહીને લખન નો હૂરિયો બોલાવ્યો. લખને ઝડપથી એનો મોટો લાલ પતંગ ચગાવ્યો,
ઉંચે આકાશમાં દૂર દૂર મોકલ્યો, પતંગ સ્થિર
થયો એટલે ધીરેથી રવિના પતંગ પાસે લઇ આવ્યો, બંનેના પેચ જામ્યા, રવિએ ઢીલ મુકવા
માંડી, લખને પણ ઢીલ મૂકી. છેવટે રવિની ફિરકીમાં દોરી ખૂટી પડી, એટલે એણે પતંગને
ખેંચ્યો, અને આ શું ? એનો પતંગ કપાઈને ડચકા ખાતો હવામાં તરવા લાગ્યો અને દૂર દૂર
જઈને પડ્યો. લખને જોર જોરથી બુમો પાડવા માંડી, ‘કાઈપો જ છે, કાઈપો જ છે’
‘છોટુ, તારો ગુલાબી પતંગ ચગાવ, એનો પતંગ કાપીને એ લખનીયાને બતાવી દઈએ’
અને છોટુનો મજબુત ગુલાબી પતંગ ચગાવ્યો. ઉંચે જઈને લખનના પતંગ સાથે પેચ લીધા, દોરી
ખુબ હતી એટલે ઢીલ મૂકી, પણ એનો પતંગ પણ કપાઈ ગયો, પછી તો મોરા અને રમણ ના પતંગો પણ વારાફરતી કપાઈ ગયા. લખનના
પતંગ ની સામે કોઈના પતંગ ટક્યા નહીં. બધા
છોકરાઓએ લખનને એના બધા જ પેચ જીતવાનું કારણ પૂછ્યું તો લખને કહ્યું, ‘મારા બાપુએ
મારા માટે શહેરમાંથી ડબલ કાચ પાયેલી સ્પેશીયલ દોરી મંગાવી છે, સમજ્યા ?’
પતંગો તો ઠીક પણ લખનની દોરીથી એક કબૂતરની પાંખ અને એક કાગડાની ડોક પણ
કપાઈ ગઈ. જીવદયા મંડળી વાળા ઘાયલ કબુતર અને કાગડાને પશુઓના દવાખાને લઇ ગયા. સાંજે
જીવદયા મંડળવાળાઓ સરપંચના ઘરે ગયા અને લખનની દોરીથી પંખીઓના ઘાયલ થયાના સમાચાર
આપ્યા અને કહ્યું કે આવી કાચ પાયેલી દોરી લખનને વાપરવા ન આપે. સરપંચે કહ્યું, ‘તહેવારના
માટે તો ખાસ શહેરમાંથી દોરી મંગાવી છે અને તમે એ વાપરવાની ના પાડો છો ?’ ‘પણ એ ખતરનાક દોરી છે, એનાથી પંખીઓ જ નહીં
બાળકો પણ ઘાયલ થઇ શકે છે, લખનને કહો એ દોરી નહીં વાપરે.’ મંડળવાળાએ સરપંચને વિનંતી
કરી. સરપંચે અભિમાન પૂર્વક કહ્યું, ‘મારો લખન તો એ જ દોરી વાપરશે, તમારાથી થાય તે
કરી લેજો.’ મંડળવાળા નિરાશ થઈને સરપંચના
ઘરેથી નીકળી ગયા, બધા બાળકોએ આ વાત જાણી ત્યારે તેઓ પણ ઉદાસ થઇ ગયા.
ત્યાર પછીના દિવસે એટલે કે ‘વાસી ઉતરાણ’ ના દિવસે લખન પતંગ ચગાવવા જ ન
આવ્યો, બાળકોએ એના ડર વગર આનંદથી પતંગ ચગાવ્યા. ત્રીજા દિવસે લખન આવ્યો, પણ એની પાસે પતંગ કે દોરી નહોતા તે જોઇને રવિ,
મોરા,છોટુ, રમણ બધાને નવાઈ લાગી. દોસ્તોએ આનું કારણ પૂછ્યું તો લખને કહ્યું, ‘શહેરમાં
મારી બહેન મારા જીજાજી સાથે સ્કુટર પર જતી હતી, ત્યારે કાચ પાયેલી દોરીથી બહેનનું
ગળું કપાઈ ગયું, એને દવાખાને લઇ ગયા, આઠ ટાંકા આવ્યા છે, મારી મમ્મી ત્યાં રોકાઈ
છે, નિશાળમાં મારી રજા ન પડે એટલે હું બાપુ સાથે અહીં આવ્યો. કાચ પાયેલી દોરી
કેટલી ખતરનાક હોય છે, તે હવે મને ખબર પડી. મને મારી ભૂલ સમજાઈ છે, મને માફ કરો
દોસ્તો, હવેથી હું ક્યારેય પણ કાચ પાયેલી દોરી વડે પતંગ નહીં ચગાવું.’ બધા દોસ્તોએ
લખનની વાત સાંભળી, એને માફ કર્યો, અને ફરીથી એની સાથે હળીમળીને રમવા લાગ્યા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો