ગણતંત્ર દિવસ. પલ્લવી
જીતેન્દ્ર મિસ્ત્રી.
‘ચિન્ટુ, ચાલ ઉઠી
જા બેટા, નહીતર સ્કુલે જવાનું મોડું થઇ જશે.’ ચિન્ટુની મમ્મીએ સવારે ઊંઘતા ચિન્ટુને વહાલથી જગાડતા કહ્યું. ‘મમ્મી મારે
સ્કુલમાં નથી જવું.’ ચિન્ટુએ પથારીમાં સુતા સુતા જ જવાબ આપ્યો. ‘વળી પાછું શું થયું,
કોઈ ફ્રેન્ડ સાથે ઝઘડો થયો કે ટીચર લડ્યા ?’ મમ્મીએ પૂછ્યું.
‘એવું કંઈ નથી
થયું, મમ્મી.’ ‘તો પછી સ્કુલે કેમ નથી જવું તારે ?’ ‘મને સવારે વહેલા ઉઠવાનો
કંટાળો આવે છે, મમ્મી.’ ‘જો ચિન્ટુ, તારા પપ્પા તો ક્યારના ઉઠીને મોર્નિંગ વોક પર
પણ જતા રહ્યા, દાદી પણ ઉઠીને નાહીને પ્રાર્થનામાં બેસી ગયા, એક તું જ છે જે ઉઠવાની
આળસ કરે છે.’ ‘મમ્મી, રોજ રોજ શું સ્કુલે જવાનું ? આજે હું સ્કુલે નહીં જાઉં.’
‘ચિન્ટુ, આજે તું
સ્કુલે જઈ આવ, પછી કાલે નહીં જઈશ તો ચાલશે.’ ‘અરે વાહ મમ્મી, સાચે જ કાલે હું
સ્કુલે નહીં જાઉં તો ચાલશે ?’ ચિન્ટુ ઝટ પટ પથારીમાંથી ઉભા થતાં બોલ્યો. ‘હા, કાલે
તું સ્કુલે નહીં જાય તો ચાલશે, કેમ કે સ્કુલમાં કાલે રજા હશે.’ ‘શેની રજા મમ્મી ?’
‘કાલે ૨૬ મી જાન્યુઆરી છે, એની રજા છે.’ ’૨૬ મી જાન્યુઆરી એ રજા કેમ ?’ આપણો ગણતંત્ર દિવસ છે, એટલે.’ ‘ગણતંત્ર દિવસ ? એટલે શું, મમ્મી ?’
‘જો તારા પપ્પા વોક
પરથી આવી ગયા છે, એ તને ગણતંત્ર દિવસ એટલે શું તે સમજાવશે, ત્યાં સુધીમાં હું તારા
માટે દૂધ, તારા પપ્પા માટે નાસ્તો, અને દાદી માટે થાળ તૈયાર કરી દઉં’ ‘પપ્પા, તમે
મને ગણતંત્ર દિવસ એટલે શું તે સમજાવો ને’ ચિન્ટુ પપ્પાના ખોળામાં જઈને બેઠો.
‘બેટા, ગણતંત્ર દિવસ એટલે રીપબ્લીક ડે, એને
લોકસત્તા દિન કે પ્રજાસત્તાક દિવસ પણ કહેવામાં આવે છે.’
‘પપ્પા, એને એવું
નામ કેમ આપ્યું ?’ ચિન્ટુ એ એના મનમાં
રમતો સવાલ પૂછ્યો. ‘આપણા દેશનું નામ શું છે, ખબર છે, તને ?’ ‘હા, ભારત દેશ,
ઇન્ડીયા, મેરા ભારત મહાન’ ચિન્ટુએ મુઠ્ઠી વાળીને જોશભેર હાથ ઉપર કરીને
કહ્યું. પપ્પા હસીને બોલ્યા, ‘કરેક્ટ.
વર્ષો પહેલા આપણો ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતો, જેમ કે હું તારી મમ્મીનો ગુલામ
છું.’ પપ્પાએ કહ્યું. ‘તમે પણ શું, નાના છોકરાં આગળ આવું બોલતા શરમાતા પણ નથી’
ચિન્ટુ માટે દુધનો ગ્લાસ લઈને આવેલી મમ્મી બોલી. ‘મમ્મી, હું નાનો છોકરો નથી, આઈ
એમ અ બીગ બોય નાવ’ ચિન્ટુ બોલ્યો.
‘ઓકે ઓકે, પણ જો,
તું હવે વચ્ચે બોલ્યા વગર મારી વાત સાંભળ, ગાંધીજીની લીડરશીપમાં ૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭
ના દિવસે આપણને આઝાદી મળી. અંગ્રેજો પાસેથી સત્તા આપણા હાથમાં આવી, ત્યારે ભારત
દેશનું રાજકીય બંધારણ અંગ્રેજોએ બનાવેલું તે જ ચાલતું હતું.’ ‘બંધારણ એટલે શું,
પપ્પા ?’ ‘’બંધારણ એટલે Constitution
એટલે કે સંવિધાન. સરળ શબ્દોમાં કહું
તો રાજ્ય ચલાવવા માટેના કાયદા અને ધારા
ધોરણ, સમજ્યો ?’ ‘યસ, પાપા.’
‘આપણા નેતાઓએ મળીને નક્કી કર્યું કે જુના બંધારણમાં સુધારા
વધારા કરીને આપણે આપણું પોતાનું બંધારણ નક્કી કરીએ. એ મુજબ ૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦
ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું, અને એ
દિવસ ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસતાક દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું.’ ‘એટલે કે
રિપબ્લિક ડે, હેં ને પપ્પા ?’ ‘હા, બેટા’ ‘પપ્પા, મમ્મી કહેતી હતી કે એ દિવસે મારે
સ્કુલમાં રજા હશે, ખરું ?’ ‘હા, બેટા, આપણી સરકારે એ દિવસ નેશનલ હોલીડે જાહેર કર્યો છે, એટલે સ્કૂલ –
કોલેજ –સરકારી કચેરી – બેંક વગેરેમાં રજા હોય છે.’
‘વેરી
ઈન્ટરેસ્ટીંગ.’ ‘હજી વધારે રસમય માહિતી
એના વિષે છે’ ‘પપ્પા, મને જણાવોને પ્લીઝ’
‘અચ્છા, કહે જોઉં, ભારતદેશની રાજધાની કઈ છે ?’ ‘રાજધાની એટલે ?’ ‘રાજધાની
એટલે કેપિટલ સીટી’ ‘ઇન્ડીયાની કેપિટલ ડેલ્હી છે, પપ્પા.’ ‘હા, ભારતની રાજધાની
દિલ્હી છે. ભારતના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ ૨૬ મી જાન્યુઆરીના દિવસે, દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવે છે, અને
રાજ જોગ સંદેશ આપે છે’ ‘તને ખબર છે, રાષ્ટ્રધ્વજ કેવો હોય છે ?’ ‘હા, ડેડી, આપણો નેશનલ
ફ્લેગ ટ્રાય કલર હોય છે’ ‘હા, આપણો ઝંડો ત્રણ રંગનો, કેસરી, સફેદ અને લીલા રંગનો
હોય છે, એટલે એણે તિરંગો પણ કહેવાય છે.’ ‘ચિન્ટુ, તને ખબર છે ધ્વજની વચ્ચે શું હોય
છે ?’ ‘હા પપ્પા, અશોક ચક્ર’ ‘વાહ, તને તો
બધી ખબર છે, સ્માર્ટ બોય.’
‘કેસરી રંગ
વીરતાનું પ્રતિક છે, સફેદ રંગ શાંતિનું પ્રતિક છે અને લીલો રંગ ફળદ્રુપતાનું
પ્રતિક છે.’ ‘ફળદુ..દુ.. ...એટલે શું પપ્પા ?’
‘ફળદ્રુપતા એટલે ફર્ટીલીટી, સમૃદ્ધિ. આપણા દેશની જમીન ખુબ ફળદ્રુપ છે,
બેટા.’ ‘રિપબ્લિક ડે ના બીજું શું શું થાય છે, પપ્પા?’ ‘ગણતંત્ર દિવસના રોજ આપણા રાષ્ટ્રપતિ ભારત
દેશવતી શૂરવીરોને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, શૌર્યચક્ર વગેરે જેવા અનેક
બહાદુરીના એવોર્ડ આપે છે. જળસેના, ભૂમિસેના અને વાયુદળના આપણા બહાદુર જવાનો પરેડ
દરમ્યાન અનેક કૌશલ્યનું પ્રદર્શન કરે છે. ‘હા, પપ્પા, અમારી સ્કુલમાં પણ ગયા વર્ષે
૨૬ મી જાન્યુઆરીના દિવસે ડ્રામા, ગીતો અને ડીબેટનો પ્રોગ્રામ થયો હતો’.
‘હા, ગાંધીજીએ પણ ખાદીના
કપડા પહેરવાની હિમાયત કરી હતી, ૨૬ મી જાન્યુઆરીના
દિવસે ખાદીની દુકાનમાં ૨૫ % ડિસ્કાઉંટ સેલ છે, એ સિવાય પણ ઘણી દુકાનોમાં અને
મોલમાં ડિસ્કાઉંટ ભાવથી વસ્તુઓ મળે છે, એટલે આપણે એ દિવસે ખરીદી
કરવા પણ જવાનું છે, આવશો ને ?’ મમ્મીએ હસીને પપ્પાને પૂછ્યું. ‘અરે,આ ડિસ્કાઉંટ તો
લોકોને લલચાવવાનું વેપારીઓનું હાથવગું એક
સાધન છે, એમાં ફસાવું નહિ.’ પપ્પા બોલ્યા. ‘બેટા, એ દિવસે તને રજા હશે, તો મને
હવેલી દર્શન કરવા લઇ જજે. ‘ દાદીમાએ પોતાની ફરમાઈશ રજુ કરી.’ ‘અને મને કાંકરિયા લેક લઇ જશો, પપ્પા ? મારે હોટ એર
બાલુન અને મીની ટ્રેનમાં બેસવું છે’ ચિન્ટુએ પોતાની માંગ રજુ કરી. ‘ભલે, આપણે બધા કાલે
સવારે હવેલી જઈશું, પછી શોપીંગમાં અને
સાંજે કાંકરિયા, ઓકે ?’ ‘થેંક્યું પપ્પા.’ કહીને ચિન્ટુ સ્કુલે જવાની તૈયારી કરવા
લાગ્યો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો