બાળવાર્તા : સ્ટે
હોમ સ્ટે સેફ :
-મમ્મી, હું સોસાયટીમાં સાઈકલ ચલાવવા જાઉં ? રાતનું જમવાનું પતી ગયું એટલે છ વર્ષના પીંકુએ એની મમ્મીને પૂછ્યું.
‘ના બેટા, હમણાં ઘરની બહાર જવાનું નામ ના લઈશ’ પીંકુની મમ્મીએ કહ્યું.
‘મમ્મી, તું જ તો કહેતી હતી કે નાના છોકરાઓએ ઘરમાં બેસી રહેવાને બદલે સોસાયટીમાં જઈને રમવું જોઈએ, અને હવે તું જ ઘરની બહાર જવાની ના કહે છે. હું ઘણા દિવસોથી ઘરની બહાર નથી ગયો. આજે તો મને સાઈકલ ચલાવવા જવા દે.’ પીંકુએ જીદ કરતાં કહ્યું.
‘હવે તમે જ સમજાવો તમારા આ લાડલાને’ પીંકુની મમ્મીએ પીંકુના પપ્પાને કહ્યું.
‘પહેલાંની વાત જુદી હતી અને હવેની વાત જુદી છે બેટા.’ ટી.વી. પર ક્રિકેટ મેચ જોઈ રહેલા પીંકુના પપ્પા બોલ્યા.
‘એ કઈ રીતે પપ્પા?’ પીંકુએ પપ્પાને પૂછ્યું અને પછી એની બેટથી ત્યાં પડેલા બોલને ફટકો મારીને ગેલેરીમાં મોકલી આપ્યો.
‘પીંકુ, તને ખબર છે ને કે કોરોના નામનો એક ભયંકર ચેપી રોગ આખી દુનિયામાં ફેલાઈ ચુક્યો છે, જેનાથી માણસો ટપોટપ મરી રહ્યા છે ? પપ્પાએ ટી.વી.નું વોલ્યુમ ધીમું કરીને કહ્યું.
‘હા, પપ્પા. અમારી સ્કુલ બંધ થઇ ગઈ અને ઓનલાઈન કલાસીસ ચાલુ થયા ત્યારે તમે જ મને એ રોગ વિશે માહિતી આપી હતી. પણ તમે એવું પણ કહ્યું હતું કે સારી વાત એ છે કે બાળકોને એ રોગ અસર નથી કરતો. તો પછી હું સાઈકલ ચલાવવા જાઉં તો શું વાંધો છે ?’ પીન્કુએ પપ્પાને પૂછ્યું.
‘બેટા, પહેલાની વાત જુદી હતી, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.’ પપ્પાએ કહ્યું. ‘એ કઈ રીતે ?’ પીંકુએ બેટને હવામાં ઘુમાવીને સિક્સર મારવાની એક્ટિંગ કરી.
‘પીંકુ, એ બેટને છોડ અને અહીં મારી પાસે આવીને બેસ.’ પીંકુ પપ્પાની બાજુમાં સોફામાં બેસી ગયો. પપ્પાએ ટી.વી. બંધ કર્યું અને ટીપોય પર પડેલું ન્યુઝ પેપર હાથમાં લીધું. બોલ્યા, ‘બેટા, આ સમાચાર તું જરા ધ્યાનથી જો, એમાં લખ્યું છે – ગુજરાત રાજ્યના સુરત શહેરમાં છેલ્લા એક મહિનામાં ૪૦૦ કરતાં પણ વધારે બાળકોને કોરોના થયો છે, હજી ઘણા બાળકો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.’
‘’ઓહ્હ! તો તો પછી બાળકોને કોરોના થતો નથી એ વાત ખોટી ને પપ્પા ?’ પીંકુ નિરાશાથી પૂછી બેઠો.
‘બેટા, કોરોનાની ફર્સ્ટ વેવ વખતે એ વાત સાચી હતી, પણ આ સેકંડ વેવમાં મોટાં લોકોની સાથે સાથે બાળકોને પણ કોરોના થઇ રહ્યો છે, અને તે પણ સાવ નાનકડા બાળકથી માંડીને ૫ વર્ષના કે તેથી પણ મોટી ઉમરના બાળકોને કોરોના થયો છે. એક પરિવારમાં તો બે બાળકો, મમ્મી-પપ્પા અને દાદા-દાદી એમ ઘરના બધાં જ લોકો કોરોના પોઝીટીવ હતા. એમાં સૌથી નાની દીકરી તો એક જ વર્ષની હતી અને દવા પણ પી નહોતી શકાતી એટલે એને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.’
‘વેરી સેડ ન્યુઝ.’ પીંકુએ ડચકારો કરતા કહ્યું અને પૂછ્યું . ‘પછી શું થયું પપ્પા ?’
‘બેટા, જેનો આરંભ છે એનો અંત પણ હોય જ છે. આખા પરિવારે હિંમત રાખીને કોરોનાનો મુકાબલો કર્યો અને બધા સાજા થયા. બીજા પણ અનેક બાળકો ૧૪ દિવસ માટે હોમ ક્વોરન્ટીન રહીને સાજા થયા.’ પપ્પાએ કહ્યું.
‘હોમ ક્વોરન...ક્વોરન... રહેવાનું એટલે કઈ રીતે રહેવાનું પપ્પા ?’ પીંકુએ પૂછ્યું.
‘હોમ ક્વોરન્ટીન એટલે અઈસોલેશનમાં રહેવાનું. મતલબ કે જો ઘરમાં જો એક જણને કોરોના થયો હોય તો એણે ઘરમાં રહેતા બીજા બધા લોકોથી અલગ એક રૂમમાં રહેવાનું, ઘરમાં બધાને કોરોના થયો હોય તો એ લોકોએ ઘરમાં જ રહેવાનું, ઘરની બહાર બિલકુલ નીકળવાનું નહિ.’ પપ્પાએ પીંકુને સમજાવ્યું.
‘એ તો બહુ અઘરું કામ છે, પપ્પા. તમે કે મમ્મી ક્યારેક જાવ છો, એમ શાકભાજી-ફ્રુટ કે બીજી વસ્તુઓ લેવા પણ નહિ નીકળવાનું ? પીન્કુએ પૂછ્યું. ‘ના બેટા, નહિ નીકળવાનું’ પપ્પાએ કહ્યું. ‘ઓકે, વસ્તુઓ તો ઓનલાઈન પણ મંગાવી શકાય. પણ ઘરમાં રહેવાથી સાજા થઇ જવાય ?’ પીંકુએ પૂછ્યું.
‘પીંકુ, સાજા થવા માટે હોમ ક્વોરન્ટીન રહેવા ઉપરાંત ડૉકટરની સુચના મુજબ દવાઓ લેવાની, થર્મોમીટરથી શરીરનું ટેમ્પરેચર માપતા રહેવાનું, ઓક્ઝીમીટરથી પોતાનું ઓક્સિજન લેવલ માપતા રહેવાનું, એ નોર્મલ ન હોય તો ડૉકટરે જે પ્રમાણે ઉપાયો બતાવ્યા હોય તે કરવાના, હોસ્પીટલમાં દાખલ થવાનું કહે તો એમ કરવાનું. પપ્પાએ કહ્યું. ‘અચ્છા !’ પીંકુ બોલ્યો અને વિચારમાં ડૂબી ગયો.
‘બેટા. ડૉકટર્સ, નર્સિસ અને બીજો મેડીકલ સ્ટાફ, દવા બનાવનારા, એમ્બ્યુલન્સ સ્ટાફ, પોલીસ ફોર્સ, સ્વચ્છતા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને બીજા અન્ય ઘણા સેવાભાવી લોકો આપણને આ ભયંકર રોગથી મુક્તિ અપાવવા માટે પોતાના જાનના જોખમે રાત દિવસ મહેનત કરી રહ્યા છે.’
‘અરે વાહ! આ તો સારું કહેવાય.’ પીંકુના મોં પર પપ્પાની વાત સાંભળીને સ્મિત આવ્યું.
‘સારું તો કહેવાય, પણ આપણી પણ ફરજ છે કે આપણે સરકારે નક્કી કરેલી ગાઈડ લાઈનનું પાલન કરીને એમને સહકાર આપવો જોઈએ’ પપ્પાએ કહ્યું. ‘સરકારી ગાઈડ લાઈન એટલે શું પપ્પા?’ ‘બેટા, સૌ પ્રથમ તો આપણે અત્યંત જરૂરી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું. જવું જ પડે એમ હોય તો યોગ્ય માસ્ક યોગ્ય રીતે પહેરીને નીકળવું, અન્ય લોકોથી ત્રણ થી ચાર ફૂટનું અંતર જાળવવું, ટોળે ન વળવું. વારંવાર આપણા હાથ સાબુથી ધોવા, વેક્સીન મુકાવવી.. વગેરે વગેરે.. તું જોજેને આ કોરોનાને તો આપણે સૌ મળીને એક દિવસ હરાવી દઈશું.’ પપ્પાએ પીંકુને વિગતવાર સમજાવ્યું.
‘યસ પપ્પા. હમ હોંગે કામિયાબ.. હમ હોંગે કામિયાબ...હમ હોંગે કામિયાબ... એક દિન...’ પીન્કુ હાથની મુઠ્ઠી વાળી હાથ ઉંચો કરીને જુસ્સાભેર બોલ્યો, એને જોઇને મમ્મી હસી અને પપ્પા બોલ્યા, ‘તો હવે...જવું છે તારે સોસાયટીમાં સાઈકલ ચલાવવા ?’ ‘સ્ટે હોમ સ્ટે સેફ’ પીંકુ બોલ્યો અને ગેલેરીમાં બોલ લેવા દોડી ગયો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો