રામ રાખે એને કોણ ચાખે.   પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

‘મેહુલ, રાત્રીના દસ વાગવા આવ્યા છે, હવે રમવાનું બંધ કર અને સૂઈ જા બેટા, કાલે શનિવાર છે, તારી સવારની સ્કુલ છે.’ મેહુલની મમ્મીએ બ્લોકસ ગેમની રમતમાં એરોપ્લેન બનાવવામાં મશગુલ થઇ ગયેલા મેહુલને કહ્યું. ‘મમ્મી, પ્લીઝ. એરોપ્લેન બની જાય એટલે તરત સૂઈ જઈશ, ઓકે ?’ મેહુલે મમ્મીને રિક્વેસ્ટ કરી. ‘એરોપ્લેન કાલે બનાવજે, સૂતા મોડું થશે તો પછી સવારના ઉઠતાં તને જ તકલીફ પડશે.’ મમ્મી બોલી. ‘એને એરોપ્લેન બનાવી લેવા દે રીમા, તને તો ખબર જ છે ને કે આપણો મેહુલ મોટો થઈને પાયલોટ બનવા માંગે છે’ મેહુલના પપ્પા રમેશભાઈએ કહ્યું.
‘પપ્પા, પાયલોટ એટલે શું ?’ મેહુલની નાની બેન ગુડ્ડીએ રમેશભાઈને પૂછ્યું. ‘એરોપ્લેન  ઉડાવનાર  વ્યક્તિને પાયલોટ કહેવાય, બેટા’ રમેશભાઈએ ગુડ્ડીને સમજાવતાં કહ્યું. ‘કાર ચલાવનારને જેમ  ડ્રાઈવર કહેવાય એમ એરોપ્લેન ચલાવનારને પાયલોટ કહેવાય ? ગુડ્ડીએ પૂછ્યું. ‘યેસ, ડીયર. યુ આર રાઈટ’ રમેશભાઈએ કહ્યું. ‘જુઓ, મારું એરોપ્લેન બની ગયું.’ મેહુલે ખુશીપૂર્વક બધાને એરોપ્લેન બતાવ્યું.  ‘વેરી ગુડ. ચાલો, મેહુલ અને ગુડ્ડી તમે બંને હાથ-પગ ધોઈ લો, નાઈટડ્રેસ પહેરી લો અને પછી  બેડરૂમમાં સૂવા માટે જાઓ.’ મમ્મીએ બંને બાળકોને કહ્યું.
‘મમ્મી, તું અમને વાર્તા કહેશે ને ?’ ગુડ્ડી અને મેહુલ બંને એકસાથે બોલી પડ્યા. ‘હા, આજે પણ હું તમને વાર્તા કહીશ, પણ આજે તમને પરીકલ્પનામાં આવે છે, એવી નહીં, પરંતુ સાચી બનેલી એક વાત કહીશ.’ મમ્મીએ કહ્યું. ‘અરે વાહ ! અમને સાચી બનેલી વાત સાંભળવાની ખુબ મજા પડશે.’ બંને બાળકો વાર્તા સાંભળવાની તાલાવેલીમાં ફટાફટ હાથ-પગ ધોઈને, નાઈટ ડ્રેસ પહેરીને બેડરૂમમાં આવી ગયા. ‘મમ્મી, હવે અમને સાચી બનેલી વાર્તા સંભળાવ’  રીમાબેને બાળકોને વાત કહેવાની શરૂઆત કરી.
‘આજે હું તમને જે વાત કહેવાની છું, તે બહુ વર્ષો જૂની વાત નથી, પણ થોડા સમય પહેલાં જ, આ જ વર્ષમાં, એટલે કે ૨૦૧૮ ની સાલમાં, જુલાઈ-ઓગસ્ટ મહિનામાં બનેલી જ વાત છે. એક ત્રણ વર્ષની બાળકી જેનું નામ સના હતું, એ એની મમ્મી સાથે એની નાનીના ઘરે રહેવા આવી હતી.’ ‘જેમ અમે વેકેશનમાં તારી સાથે વડોદરા નાનીના ઘરે રહેવા જઈએ છીએ એમ જ ને, મમ્મી ?’ ગુડ્ડીએ  મમ્મીને પ્રશ્ન કર્યો. મમ્મી બોલી, ‘હા ગુડ્ડી, એ જ રીતે સના પણ એની મમ્મી સાથે એની નાનીના ઘરે મુંગેર નામના શહેરના એક ગામમાં આવી હતી.’ ‘મુંગેર  ક્યાં આવ્યું, મમ્મી ?’ મેહુલે સવાલ કર્યો. ‘આપણા ભારત દેશમાં આવેલા બિહાર રાજ્યમાં આ મુંગેર નામનો જીલ્લો આવેલો છે, તું  કાલે સ્કુલમાથી ઘરે આવી જશે, પછી હું તને ભારતદેશના નકશામાં બિહાર ક્યા આવ્યું તે બતાવીશ.’ મમ્મીએ મેહુલને કહ્યું.
‘ઓકે, મોમ. પછી આગળ શું થયું ?’ બાળકો મમ્મીને પૂછી રહ્યા. ‘પછી એવું થયું કે સના એના ઘરની બહાર કેટલાક ફ્રેન્ડસ સાથે રમતી હતી, ત્યારે અચાનક ત્યાં બોરવેલ માટે ખોદેલા એક ઊંડા ખાડામાં પડી ગઈ’ ‘બોરવેલ શું હોય, મમ્મા ?’ ‘બોરવેલ એટલે સાંકડો અને ઊંડો કૂવો. જમીનમાં ખૂબ ઊંડે સુધી ખોદકામ કરવામાં આવે ત્યારે પીવાલાયક મીઠું પાણી મળે. એટલે જ્યાં પીવા માટે નદીનું પાણી ન  મળતું હોય એવી સોસાયટીમાં પીવાના પાણી માટે આવો ઊંડો ફૂવો ખોદવામાં આવે, પછી પંપ દ્વારા પાઈપ વાટે પાણી ખેંચીને ગ્રાઉન્ડલેવલની વોટરટેન્કમાં, અને ત્યાંથી પમ્પની મદદથી પાઈપ વાટે મકાનની ઉપર આવેલી ઓવરહેડ ટેન્કમાં પાણી ચઢાવવામાં આવે. છેલ્લે ઓવરહેડ ટેન્કમાંથી પાઈપ દ્વારા દરેક ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે.’
‘આપણી સોસાયટીમાં પણ બોરવેલ છે ?’ ગુડ્ડીએ પૂછ્યું. ‘હા, છે ને.’ ‘તો અમે રમતાં રમતાં એમાં પડી જઈએ તો શું થાય ?’ ‘બેટા, બોરવેલમાં પાઈપ લાઈન નાખવાનું કામ પતી જાય પછી એને એવી રીતે કવર કરી લેવામાં આવે કે પછી કોઈ એમાં પડે નહીં, આપણી સોસાયટીમાં પણ બોરવેલને કવર કરીને સેફ કર્યો છે.’ ‘તો પછી સના કેવી રીતે બોરવેલમાં પડી ?’ બાળકોએ મનમાં રહેલો સવાલ મમ્મીને પૂછી જ લીધો. ‘એ બોરવેલમાં પાઈપ લાઈન નાખવાનું કામ બાકી હશે, એટલે બોરવેલને કવર નહિ કર્યું હોય, અને કદાચ એટલે જ સના એમાં પડી ગઈ હશે.’ ‘ઓહ, હાવ સેડ, પછી શું થયું મોમ ?’ ‘એ ખાડો ખુબ જ ઊંડો – લગભગ પચાસ ફૂટ એટલે ફિફ્ટી ફીટ ઊંડો હતો.’
‘સના કૂવામાં પડી ગઈ, સના કૂવામાં પડી ગઈ...’ સનાની સાથે રમતા દોસ્તોએ દોડતા સનાની ઘરે જઈને સમાચાર આપ્યા. એટલે સનાની મમ્મી અને નાની જલ્દી જલ્દી બોરવેલ પાસે દોડી આવ્યા. ગામના લોકો પણ આ સમાચાર સાંભળીને ત્યાં દોડી આવ્યા. સનાની મમ્મીએ બોરવેલ પાસે બેસીને જોર જોરથી સના.. સના...સન્નો.. સન્નો.. ની બુમ પાડવા માંડી, સનાની નાની તો રડવા જ માંડી’ ‘પછી ?’  ‘પછી કોઈએ ફોન કર્યો, એટલે સ્ટેટ અને નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો એ આવીને ક્વિક એક્શન લીધા. સૌથી પહેલા તો સનાને  બોરવેલમાં અંદર ઓક્સિજન મળે એવી સગવડ કરી.’ ‘ઓક્સિજનની સગવડ કેમ કરી મમ્મી ?’ ‘કેમ કે જમીનમાં એટલા બધા ઊંડા અને સાંકડા કૂવામાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ નહીવત હોય, આપણને ઓક્સિજન પૂરતા પ્રમાણમા નહીં મળે તો આપણો શ્વાસ રૂંધાઇ જાય, અને આપણે મરી જઈએ.’
 ‘સારું થયું, સનાને ઓક્સિજન આપ્યો, પછી શું થયું ?’ મેહુલે પૂછ્યું. ‘પછી બોરવેલમાં એક સી.સી.ટીવી કેમેરા  ઉતાર્યો, એટલે સના પર સતત નજર રહે, અને એ કેમ છે તે પણ જાણી શકાય. વળી સનાની મમ્મીએ સના સાથે સતત વાતચીત ચાલુ રાખી, એટલે સનાને અંધારામાં એની મમ્મીના અવાજનો સપોર્ટ મળી રહે, અને એ ગભરાઈ ન જાય.’  ‘ધેટ’સ ગ્રેટ.’ મેહુલ બોલ્યો. ‘પછી શું થયું, મમ્મા ?’ ગુડ્ડીની અધીરાઈ વધી ગઈ.
પછી ગામમાંથી અને આજુબાજુના ગામેથી લગભગ પચાસેક જેટલા મજૂરો  બોલાવી લીધા. અને બોરવેલની બાજુમાં ફટાફટ એક મોટો ખાડો ખોદ્યો. અને લગભગ ૩૦ કલાક ની મહેનત બાદ સનાને બહાર કાઢી. સનાને હેમખેમ એટલે કે સાજીસમી – જીવતી બહાર આવેલી જોઇને એની મમ્મી અને નાનીની આંખોમાંથી આંનદના આંસુ વહેવા માંડયા. ત્યાં હાજર રહેલા બધાં જ લોકો એકદમ ખુશીમાં આવી ગયા. મમ્મીએ સનાને ગળે લગાવી લીધી. પણ ૩૦ કલાક સુધી બોરવેલમાં રહેલી સનાને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.’  
‘હોસ્પીટલમાં કેમ, એ તો ઓકે જ હતી ને મમ્મા ?’ મેહુલે પૂછ્યું. ‘ઓકે જ હતી, પણ ૩૦ કલાક જેટલા લાંબા  સમય માટે અંધારા કૂવામાં રહેવાથી એ થોડી અપસેટ થઇ ગઈ હતી, એટલે હોસ્પિટલમા લઇ જઈને એનું રૂટીન ચેકઅપ કર્યું, થોડી પ્રાયમરી  ટ્રીટમેન્ટ આપી અને ઓકે થઇ ગઈ એટલે પછી એને ઘરે જવાની લઇ રજા આપી.’ ‘હેપ્પી એન્ડીંગ વાળી વેરી નાઈસ સ્ટોરી, મોમ.’ ‘હા, બેટા – રામ રાખે એને કોણ ચાખે..’ ‘એટલે શું મમ્મા?’ ‘એટલે જેના પર ભગવાનની કૃપા  હોય એને કોઈ મારી ન શકે કે નુકસાન પણ ન કરી શકે. ચાલો હવે બંને જણા પ્રેયર કરીને સૂઈ જાઓ, ગુડનાઈટ.’ ‘ગુડ નાઈટ, મમ્મા.’    

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ