આ વેલેન્ટાઈન’સ ડે એટલે શું? પલ્લવી જીતેન્દ્ર
મિસ્ત્રી.
‘હાશ ! આ વર્ષે તો ‘વેલેન્ટાઈન’સ ડે’, વેનસ ડે ના દિવસે આવ્યો છે, એટલે સારું છે.’ ત્રણ ચાર કોલેજીયન દોસ્તો દીપેશના ઘરે એના રૂમમાં ભેગા
થયા હતા ત્યારે દીપેશે અન્ય દોસ્તો સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો. ‘યેસ યેસ, વેલેન્ટાઈન’સ ડે એટલે તો
પ્રેમીઓનો દિવસ, આપણે એ દિવસે જોરદાર પાર્ટી એરેન્જ કરીશું,’ બધા મિત્રો એકસાથે પોતાનો
આનંદ પ્રદર્શિત કરી રહ્યા.
આ ‘વેલેન્ટાઈન’સ ડે’ ‘રવિવારે તો આવવો જ ન જોઈએ.’ દીપેશ જુસ્સાથી બોલ્યો. ’એવું કેમ ?’ રાજુએ
પૂછ્યું. ‘ઓયે ડફોળ, એટલું પણ નથી ખબર ? રવિવારના દિવસે ‘વેલેન્ટાઈન’સ ડે’ હોય તો ઘરની
બહાર નીકળતી વખતે – ક્યાં જાય છે ? શું કામ જાય છે ? કેટલા વાગ્યે પાછો આવીશ?
વગેરે વગેરે મમ્મીના હજાર સવાલના જવાબ આપવા
પડે અને ‘વેલેન્ટાઈન’સ ડે’, ચાલુ દિવસે હોય તો કોલેજમાં ફ્રેન્ડસને ફ્રીલી
મળી શકાય, કોલેજમાંથી બંક
કરીને મૂવી જોવા જઈ શકાય, ફાસ્ટ-ફુડ ખાવા જઈ
શકાય, ગર્લફ્રેન્ડને
લઈને લોંગ ડ્રાઈવ પર જઈ શકાય.’ દીપેશ રાજુના માથે હળવી ટપલી મારીને બોલ્યો. ‘હા, તારી એ વાત તો સાચી.
કોલેજમાં હોઈએ તો જે કરવું હોય તે કરી શકાય, અને મમ્મીના બધા સવાલોમાંથી મુક્તિ. કોઈ કહે જ નહિ કે -
મેરે સવાલોં કા જવાબ દો...’ રાજુએ કાન
પકડીને પોતાની ભૂલ કબુલી અને બધા હસી પડ્યા.
‘આ વેલેન્ટાઈન’સ ડે’ એટલે શું,
ભાઈ ?’ રૂમમાં હાજર દીપેશના નાના ભાઈ
મોન્ટુએ દીપેશને સવાલ કર્યો. ‘વેલેન્ટાઈન’સ ડે’ એટલે.... પણ અલ્યા મોન્ટુડા, તારે એ જાણીને
શું કામ છે ?’ દીપેશે નાના ભાઈને દમ માર્યો. ‘મારે જાણવું છે, કહોને ભાઈ, પ્લીઝ’ મોન્ટુએ રીક્વેસ્ટ કરી. ‘એ જાણવા માટે તું હજી નાનો છે, એટલે ચુપચાપ તારું લેસન કર, નહીતર બહાર જઈને તારા
ફ્રેન્ડસ જોડે રમ.’ દીપેશે મોન્ટુને
હુકમ કર્યો. દીપેશની વાતથી નારાજ થયેલો
મોન્ટુ રૂમની બહાર નીકળીને એના ફ્રેન્ડસ જોડે રમવા ચાલી ગયો.
‘૧૯૯૯ માં અને ૨૦૧૬ માં વેલેન્ટાઈન’સ ડે રવિવારે આવ્યો હતો, મને લાગે છે કે આપણી
સરકારે કોલેજીયનોના, હિતને ધ્યાનમાં લઈને રવિવારે આવતો વેલેન્ટાઈન’સ ડે, શનિવારે અથવા સોમવારે ઉજવવાનું ડિક્લેર કરવું
જોઈએ. ગણિતમાં અને ઇતિહાસમાં રસ ધરાવતો મનન
બોલ્યો. ‘આ વખતે તો એ બુધવારે આવ્યો છે ને ? તો પછી એ બધી વાતો છોડો અને
‘વેલેન્ટાઈન’સ ડે’ કઈ રીતે
સેલીબ્રેટ કરીશું તેનું પ્લાનિંગ કરો.’ દીપેશે કહ્યું. ‘મેં તો છેલ્લા બે મહિનાથી બહારનો નાસ્તો, કોલ્ડ્રીંક અને ખોટા
ખર્ચા બંધ કર્યા છે, જે પોકેટમની બચશે તે
મને પાર્ટીમાં અને મારી ફ્રેન્ડને ગીફ્ટ આપવામાં કામ લાગશે.’ અર્જુન બોલ્યો. એ
દિવસના પ્રોગ્રામનું આયોજન કરીને બધા દોસ્તો વિખેરાયા.
‘પપ્પા, આ વેલેન્ટાઈન’સ ડે એટલે
શું ?’ દીપેશ અને એના દોસ્તોની વાતો સાંભળી
ગયેલા નાના ભાઈ મોન્ટુના મનમાં ક્યારનો વેલેન્ટાઈન’સ ડે’ વિશેનો સવાલ રમતો
હતો, જે એણે સાંજે ઓફિસથી ઘરે આવેલા પપ્પા રમણીકભાઈને આખરે પૂછી જ લીધો. રમણીકભાઈ હજુ કંઈ જવાબ આપે તે પહેલા અધીરા મોન્ટુએ
બીજો સવાલ કર્યો, ‘પપ્પા, ‘વેલેન્ટાઈન’સ ડે’ એટલે બે પ્રેમીઓનો દિવસ ?’
‘બેટા, એવું કહેવાય છે ખરું કે ચૌદમી ફેબ્રુઆરી, વેલેન્ટાઈન’સ ડે,’ એટલે પ્રેમીઓનો
દિવસ. આમ જુઓ તો પ્રેમીઓનો કોઈ ચોક્કસ દિવસ હોતો નથી. એમને માટે તો હર દિવસ, હર કલાક, હર મિનિટ, હર સેકન્ડ ‘પોતાની’ જ હોય છે. પણ
દેખાદેખીમાં પશ્ચિમના દેશો પાસેથી શીખીને આપણે પણ ‘વેલેન્ટાઈન’સ ડે’ ઊજવતા થયા છીએ. પપ્પાએ મોન્ટુને સમજાવ્યું.
‘આ વેલેન્ટાઇન નામના વ્યક્તિ, રોમિયો કે ફરહાદ જેવા કોઈ મહાન પ્રેમી હશે, અને એમણે એમની
પ્રેમિકા માટે કોઈ યાદગાર કાર્ય કે અભૂતપૂર્વ ત્યાગ કર્યો હશે. જેથી પ્રેમીઓ આજે
પણ એમને યાદ કરીને એમની યાદમાં વેલેન્ટાઈન’સ ડે ઉજવતા હશે, ખરુંને પપ્પા ?’ વાતમાં રસ પડવાથી
હવે દીપેશે પણ ચર્ચામાં ઝુકાવ્યું.
‘બેટા, વેલેન્ટાઇન કોઈ મહાન પ્રેમી નહિ, પણ એક મોટા સંત હતાં. ચૌદમાં સૈકામાં ઇટાલીના
રોમન સામ્રાજ્યના પતન કાળ વખતે તેઓ ત્યાં હતા. એવું કહેવાય છે કે એમની સૂચનાથી
ગામના ચૌટે એક ખાલી પીપ મૂકવામાં આવતું. જેમાં ગામની કુંવારી યુવાન છોકરીઓ પોતાના
નામની ચિઠ્ઠી મૂકી આવતી. કુંવારા યુવાન આ ચીઠ્ઠી ઉપાડતા અને જે છોકરીનું નામ નીકળે
તે એક વર્ષ પૂરતી એની પ્રેમિકા બનતી’ પપ્પાએ પોતે જે જાણતા હતા એ માહિતી પૂરી
પાડી,
‘આ તો નવાઈ જેવી વાત છે, આવું કરવા પાછળ એમનું લોજીક શું, પપ્પા?’ દીપેશે
પપ્પાને સવાલ કર્યો. ‘લોજીક તો સમાનતાનું કહી શકાય.’ પપ્પાએ કહ્યું. ‘સમાનતા ? એટલે ? ’મોન્ટુએ સવાલ
કર્યો. ‘સમાનતા એટલે બધાને પસંદગીની એકસરખી
તક. છોકરી સુંદર હોય કે કુરૂપ, છોકરો હોંશિયાર હોય કે સાધારણ, બધાને દોસ્તીની,
પ્રેમની તક મળી રહે, કોઈને અભાવ ન સતાવે.’ પપ્પાએ વાત સમજાવતા કહ્યું. ‘હં, હવે વેલેન્ટાઈન’સ ડે ના
સેલિબ્રેશનની વાત સમજમાં આવી,’ દીપેશ બોલ્યો.
‘તમે પણ શું છોકરાઓ સામે આવી વાત લઈને બેઠા છો ? છોકરાઓ પર કેવી અસર થાય
?’ મોન્ટુ અને દીપેશની મમ્મી સીમાએ આવીને રમણીકભાઈને વાર્યા. ‘આપણા છોકરાઓ સમજદાર
છે, અને સાચી વાતની માહિતી દરેકને હોવી જ જોઈએ. જો સીમા. તું પણ સાંભળ, આપણા
દેશમાં સ્કુલોમાં જ વિધાર્થીઓને એટલું
બધું ભણાવી દેવામાં આવે છે કે એમના માટે પછી કોલેજોમાં ભણવા લાયક કશું રહેતું નથી.
એટલે કોલેજમાં ‘ટાઈમ-પાસ’ કરવા
માટે કંઈ પ્રવૃત્તિ તો એમને જોઈએ ને? એ ખાતર
કોલેજમાં વિધાર્થીઓ ‘રોઝ-ડે’, ‘બલુન-ડે’, ટ્રેડિશનલ-ડે’, ‘ટેડી-ડે’, ‘પ્રોમિસ-ડે’, મીસ મેચ-ડે’, ‘ફ્રેન્ડશીપ-ડે’ જેવા અનેક ડેઝ ઉજવે છે, એમાં ય વેલેન્ટાઈન’સ ડે સૌથી મહત્વનો
દિવસ છે. આપણે વડીલોએ પોતાની રગશીઆ ગાડા જેવી
જિંદગીમાં, આ જુવાનીઆઓ પાસે આવી વિવિધતા શીખવાની ખાસ
જરૂર છે. જો એ લોકો આપણી પાસે સાડી કે ધોતિયું પહેરતાં શીખે,
તો આપણે શા માટે એમની પાસે ‘આનંદ’
ઓઢતાં ન શીખીએ?’
‘બ્રેવો, પપ્પા. તો તમે કઈ રીતે વેલેન્ટાઈન’સ ડે સેલીબ્રેટ કરશો
?’ દીપેશે પૂછ્યું. ‘હું તારી મમ્મીને
લઈને મુવી જોવા જઈશ અને પછી અમે ડીનર પર કોઈ સારી રેસ્ટોરાં માં જઈશું.’ પપ્પાએ
પોતાનો પ્લાન જણાવ્યો. ‘પપ્પા, ડીનર પર
જાવ તો મને પણ લઇ જશોને ?’ મોન્ટુએ પૂછ્યું. ‘તારે મુવીમાં આવવું હશે તો ત્યાં પણ
લઇ જઈશું’ પપ્પાએ હસીને કહ્યું. ‘લો આ ગઈ કબાબમેં હડ્ડી’ દીપેશે મોન્ટુને ચીડવતા
કહ્યું. ‘જાને હવે, તું મારા જેવડો હતો તો તું પણ તો મમ્મી પપ્પા સાથે બધે પૂંછડીની
જેમ જતો જ હતો ને ?’ મોન્ટુએ અંગુઠો
બતાવતા એને કહ્યું. ‘બેટા, ખરું જોતાં ‘વેલેન્ટાઈન’સ ડે’ માત્ર પ્રેમી –
પ્રેમિકાઓનો દિવસ જ
નથી. આપણા કોઈ પણ પ્રિય પાત્ર કાકા – મામા – માસી – ફોઈ – ઈવન આપણા સ્પાઉસ (જો તે
પ્રિય હોય તો) ને આપણે આ દિવસે પ્રીતી સંદેશ કે ભેટ આપી શકીએ.’ મમ્મીએ માહિતી પૂર્ણ કરતા કહ્યું.
મારા વહાલા નાના વાચક મિત્રો, વેલેન્ટાઈન’સ ડે’ ઉજવવાની સૌની રીત
પણ અલગ અલગ હોય છે. કોઈ પોતાનો સંદેશ SMS દ્વારા, કોઈ ટેલિફોન
દ્વારા, કોઈ e mail દ્વારા, કોઈ What’s app દ્વારા આપે છે,
કોઈ રૂબરૂ મળીને ભેટ આપે છે. તમે
પણ તમારા ભાઈ, બહેન, મમ્મી, પપ્પા, ભાઈબંધને તમારી શુભેચ્છાઓ આપજો. હું તમને મારા આ
લેખ દ્વારા શુભેચ્છા પાઠવું છું, સૌને ‘હેપ્પી
વેલેન્ટાઈન’સ
ડે’ ની મારી હાર્દિક શુભકામનાઓ!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો