રક્ષાબંધન અને વીરપસલી.              પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

રામુ એક ઓફિસમાં પટાવાળાનું કામ કરતો હતો, અને એની ઘરવાળી એટલે કે પત્ની સવિતા સામેની  સોસાયટીમાં ચાર ઘરનાં કામકાજ જેવાં કે વાસણ ઘસવા, કપડાં ધોવા, ઝાડું મારવું, પોતું મારવું, ફર્નીચર સાફ રાખવું, શેઠાણીને શાક સમારી આપવું, વગેરે વગેરે કામો કરતી હતી. સવિતા સવારે વહેલી ઉઠીને પોતાના ઘરનું કામકાજ કરતી અને રામુ માટે રોટલા અને શાક બનાવી દેતી, ટીફીન લઈને રામુ સવારે નવ વાગ્યે નીકળી જતો. થોડું ચાલ્યા પછી, બસસ્ટેન્ડ આવતું, ક્યારેક બસમાં બેસવાની જગ્યા મળે અને ક્યારેક બસ ભરેલી હોય તો ઉભા ઉભા પણ જવું પડે. બસમાંથી ઉતરીને પણ એણે ઓફિસે પહોંચવા માટે લગભગ દસ મિનીટ ચાલવું પડતું,
ઘણા વખતથી સવિતા અને રામુ વિચારતા કે દિવાળીમાં બોનસના વધારાના પૈસા મળે તો એક સાઈકલ લઇ લઈએ, જેથી રામુને બસમાં ઉભા ઉભા ન જવું પડે, અને ચાલવું ન પડે, દિવાળીના બોનસના વધારાના પૈસા મળતા પણ ખરા, પણ ત્યારે નવા કપડાં, ખાવાની સામગ્રી, સામાજિક વહેવાર અને મહેમાનોની પાછળ એ પૈસા વપરાઈ જતા. એટલે બંને પાછા ઠેરના ઠેર થઇ જતા. પણ રામુ અને સવિતા બંને સારા સ્વભાવના હતા, સંતોષી પણ હતા, કોઈ સાથે ઝઘડો કરવાનું એમને ગમતું નહિ, સગા વહાલાઓ અને પડોશીઓ સાથે પણ તેઓ સારી રીતે  રહેતા, જરૂર પડે ત્યારે કામમાં પણ આવતા.
રામુને બીડી-સિગારેટ-તમાકુ-માવો કે દારૂનું જેવી કોઈ ચીજોનું વ્યસન નહોતું. હા, સવારે એને સવિતાના હાથની એક કડક મીઠી ચા જોઈતી. એ ન મળે તો એનો દિવસ બગડતો. સવિતા આ વાત જાણતી એટલે ગમે તેમ કરીને રામુ માટે સવારની ચાની જોગવાઈ રાખતી જ. રામુ પણ સવિતાનું ખુબ ધ્યાન રાખતો, રજાને દિવસે બગીચામાં ફરવા લઇ જતો, મેળો આવે ત્યારે બંગડી-બકલ લઇ આપતો, ભેળપૂરી ખવડાવતો  અને ચગડોળમાં પણ બેસાડતો. આમ બંનેનો સંસાર સુખમાં ચાલ્યા કરતો.  
હવે રામુના ઘરે દીકરો આવ્યો, નામ પાડ્યું, લાલુ. થોડા દિવસ સવિતા કામે જઈ શકી નહિ, એટલે રૂપિયાની ખેંચ પડવા માંડી. પણ રામુના શેઠે જ્યારે જાણ્યું કે રામુના ઘરે દીકરો આવ્યો છે, ત્યારે એનો પગાર બસો રૂપિયા વધારી દીધો. રામુ અને સવિતા ખુશ થઇ ગયા. રામુ એક મહિનાનો થયો એટલે સવિતા એને લઈને પાછી પોતાના જુના કામે જવા માંડી. રામુ અને સવિતા લાલુના લાલન પાલનમાં વ્યસ્ત થઇ ગયા. જોતજોતામાં બીજા ત્રણ વર્ષ વીતી ગયા.રામુ અને સવિતાના ઘરે લાલુની બહેનનો જન્મ થયો, નામ રાખ્યું ગીતા. લાલુ તો નાનકડી બહેનને જોઇને ખુશ ખુશ થઇ ગયો, એની કાળજી પણ બહુ રાખવા લાગ્યો, રડે કે તરત હિંચકા નાખે.   
પણ સવિતાને હવે મૂંઝવણ થઇ, બંને બાળકોને ઘરે મુકીને કામ કરવા કેમ જવું ? આવા નાના બાળકોનું ધ્યાન કોણ રાખે ? વળી બે બાળકોને સાથે લઈને પણ કામે ન જવાય, નાના બાળકો તોફાન કરે, રડે, ખાવાનું માગે, તો શેઠાણીને અગવડ થાય. પતિ પત્ની બંને જણ મૂંઝાયા.
જ્યારે પાડોશી સુમીએ આ વાત જાણી, ત્યારે સુમીના સાસુ રાધામાને વાત કરી, એમણે  કહ્યું, ‘છોડી (છોકરી) ગભરાઈ છે હું કામ ? મું (હું) હાચવા (સાચવીશ) તારા બંને છોરાંને.’  અને આમ સવિતા કામ પર જાય ત્યારે લાલુ અને ગીતાની સાચવણી રાધામા કરવા લાગ્યા, બદલામાં સવિતા એમની બકરીઓ અને ગાયને નવડાવવાનું અને ચારો નીરવાનું (ઘાસ ખવડાવવાનું) કામ કરતી. રામુ સાંજે વહેલો આવી જાય તો રાધામાની ગાય – બકરીને ચરાવવા લઇ જાય અને સવારે ગ્રાહકોને દૂધ પણ પહોંચાડી આવે.
આમ અરસ-પરસ મદદથી જીવનનું ગાડું ચાલ્યે જતું હતું. લાલુ ચાર વર્ષનો થયો એટલે એને, અને પછી ગીતા ચાર વર્ષની થઇ એટલે  એને પણ સરકારી સ્કુલમાં ભણવા બેસાડ્યા. લાલુ ચોથા ધોરણમાં આવ્યો ત્યારે એકવાર ટીચરે ‘રક્ષાબંધન’ ના તહેવાર વિષે જણાવતા કહ્યું, ‘આ દિવસ  ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધીને એની લાંબી ઉમર અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપીને એને ગમતી ચીજ ભેટ આપે છે, જેને ‘વીરપસલી’ કહેવાય છે.’
લાલુએ ઘરે આવીને સવિતાને પૂછ્યું, ‘મા, રક્ષાબંધન ક્યારે આવે છે?’ સવિતાએ કહ્યું, ‘ઈને તો હજી ચાર મહિનાની વાર સે, કેમ તને એનું હું કામ પઈડું ?’ ‘કંઈ નઈ’ લાલુએ કહ્યું. ચાર મહિના પછી રક્ષા બંધનનો દિવસ આવ્યો, ગીતાએ લાલુને રાખડી બાંધી અને લાલુએ ગીતાને સરસ મજાનું નવું નકોર ફ્રોક આપતા કહ્યું, ‘લે બેના, આ મારી તને વીરપસલી’
ગીતા તો નવું ફ્રોક જોઇને ખુશ થઇ ગઈ. સવિતા અને રામુને નવાઈ લાગી, પૂછ્યું, ‘લાલુ, આવું હારામાનું ફ્રોક કાંથી લાઈવો તું ?’ પહેલા તો લાલુએ કંઈ કહેવાની આનાકાની કરી, પણ રામુએ જ્યારે સખ્તીથી કહ્યું, ‘ચોરી કરીને તો નથી લાઈવો ને ?’ ત્યારે એણે કહ્યું, નાબાપુ, ચોરી નથી કરી, મેં ચાર મહિના બાજુની સોસાયટીમાં એક શેઠની ગાડી સાફ કરી આપીને બેના માટે વીરપસલી ના પૈસા ભેગા કર્યા છે, હું તમારી સાઈકલ માટે પણ પૈસા ભેગા કરવાનો છું, પછી તમારે બસમાં નઈ જવું પડે.’ લાલુની આ વાત સાંભળતા જ રામુ ગળગળો થઇ ગયો. અને સવિતાએ ‘વાહ મારા દીકરા’ કહેતા લાલુને ગળે લગાડી દીધો.     

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ