બહાદુર બચ્ચા.      પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
નંદપુર નામે એક નાનકડું ગામ હતું. ગામને પાદરે એક વડનું ઝાડ હતું. ગામલોકોએ એ વડલાને ફરતે એક ચોરો(ઓટલો) બાંધ્યો હતો. થોડે દૂર સરપંચ માખણલાલે એક પરબ(પીવાના પાણી માટેની ઓરડી) બંધાવી હતી, એમાં પાણી ભરેલા બે મોટા માટલાં અને ત્રણચાર ગ્લાસ મુક્યા હતા.
રોજ સવારે  સરપંચને ઘરે કામ કરતો માધો કુવામાંથી ચોખ્ખું પાણી લાવીને આ માટલાં ભરી જતો. ત્યાંથી પસાર થતાં પ્રવાસીઓ પરબેથી પાણી પીને, ચોરા પર બેસીને થોડો આરામ કરતા અને પછી પોતાના કામે આગળ વધતા. ગામના લોકો પણ સાંજે પાદરે આવીને આ ચોરા પર બેસતા અને અલક મલકની વાતો કરતા, ભજનો ગાતા.
ગામના પુરુષ લોકોમાંથી ઘણા ખેતીકામ કરતા, કેટલાક દરજીકામ, મોચીકામ, લુહારીકામ, કરિયાણું – શાકભાજી વેચવું, વગેરે કામ કરતાં. એક નાનકડું દવાખાનું પણ હતું. પોલીસ ચોકી ની એક નાનકડી  રૂમ હતી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ રહેતો હતો. ગામની મહિલાઓ ઘરનું કામકાજ જેવું કે રસોઈ બનાવવી, પાણી ભરવું, વાસણ – કપડાં ધોવા, ખેતરે ભાતું (ખાવાનું) આપવા જવું, ગાય ભેંસોની સંભાળ લેવી, નાના છોકરાઓને સાચવવા અને મોટા  છોકરાઓને તૈયાર કરીને સ્કુલે મોકલવા, એવાં બધાં કામો કરતી.       
ચોરાથી થોડે દૂર એક સ્કુલ આવેલી હતી. સ્કુલની બાજુમાં નાનું મેદાન હતું. એમાં બાળકોને રમવા માટે લસરપટ્ટી, હિંચકા અને મેરીગોરાઉન્ડ  જેવા સાધનો મુક્યા હતા. સ્કુલની સામે નાનકડો બગીચો પણ હતો, જેમાં રંગબેરંગી ફૂલોના છોડ વાવ્યા હતા. માસ્તરસાહેબ દયાળજીભાઈ અને સુખાભાઈ સ્કુલમાં છોકરાઓને ભણાવતા. આ સ્કુલ ફક્ત સાત ધોરણ સુધીની જ હતી, એથી આગળ કોઈને ભણવું હોય તો બાજુના શહેરમાં જવું પડતું.
ગામની હદ પૂરી થાય પછી દૂર દૂર ગીચ ઝાડી ઝાંખરાવાળો વગડો(વન)  શરુ થતો. વગડામાં વાઘ, સિંહ, ચિત્તો, વરુ, શિયાળ, રીંછ  જેવા હિંસક પ્રાણીઓ રહેતા હતાં. એટલે ગામલોકો ત્યાં જવાની હિંમત કરતાં નહિ. માતા પિતાએ બાળકોને પણ ખાસ સૂચના આપી હતી, કે વગડામાં જશો તો વાઘ –સિંહ ફાડી ખાશે માટે ત્યાં જશો નહિ.
ગામથી થોડે દૂર એક જૂની પુરાણી ખંડેર જેવી એક હવેલીનું મકાન આવેલું હતું. અમાસની અંધારી  રાત્રે  એમાંથી ભયાનક અવાજો આવતા, એટલે લોકો ત્યાં જતા ડરતા. લાકડા લેવા ગયેલા માધાએ, તો આવી એક રાત્રે હવેલી પાસે સફેદ કપડામાં કાળી કાળી આંખોવાળું ભૂત પણ જોયું હતું, પછી ડરના માર્યા એને તાવ આવી ગયેલો તે ચાર દિવસ પછી તાવ ઉતર્યો હતો. એટલે લોકો રાત્રે અંધારામાં તો ઠીક પણ દિવસના અજવાળામાં પણ હવેલીથી  દુર જ રહેતા. એ હવેલી ‘ભૂતિયા હવેલી’ તરીકે જ ઓળખાતી હતી.
વિક્રમ, મોહન, જગત, જય, વીરુ, અમથો અને બિરેન આ બધા નાનપણથી સ્કુલમાં સાથે ભણતાં હતાં, અત્યારે એ બધા છઠ્ઠા  ધોરણમાં આવી ગયાં હતાં. લખોટી, ભમરડા, પકડદાવ, લંગડીદાવ, સંતાકુકડી, ખો ખો, સાતતાળી, ગીલ્લી ડંડા અને ક્રિકેટ એમની મનગમતી રમતો હતી. દોસ્તો, રમતમાં હાર જીત તો થયા જ કરતી હોય છે. બિરેન આજે લખોટીની રમતમાં અમથાની સામે અઢાર લખોટી હારી ગયો.  બધા દોસ્તો વચ્ચે પહેલેથી જ સમજુતી  હતી કે જે હારે તેણે જીતનારની શરત કબુલ કરવી પડે.
અમથાએ બિરેનને કહ્યું, ‘ક્યાં તો મને અઢાર લખોટી આપ અથવા એના બદલામાં તારો કૂતરો મોતી આપી દે.’  મોતી કૂતરો બિરેનને પોતાના પ્રાણ કરતાં પણ વધારે વહાલો હતો, એ કેવી રીતે અમથાને આપી દે ? એટલે એણે અમથાને કહ્યું,’ હું તને મોતી તો નહિ આપું, મારી પાસે અઢાર લખોટી નથી, એટલે તું બીજું કંઈ માંગ’ અમથાએ વિચાર કરીને કહ્યું, ‘હું જે માંગુ તે આપવું પડશે અને નહિ આપી શકે તો તારે મોતી મને આપવો પડશે, બોલ મંજુર છે ?’
‘મંજુર છે, બોલ શું જોઈએ છે તારે ?’ બિરેને અમથાને પૂછ્યું. ‘જો આજે  અમાસની રાત છે, આજે  ‘ભૂતિયા હવેલીમાં’ જઈને, ત્યાં મધરાતે ઉગતું  રાતુંફૂલ (લાલ રંગનું ફૂલ) તારે મને લાવી આપવાનું.’ અમથાની આવી શરત સાંભળીને બિરેનના તો હોશ જ ઉડી ગયા, બીજા મિત્રો પણ ચોંકી ગયા. ‘આવી શરત તે વળી કરાતી હશે ?’ બિરેન અને બધા મિત્રો એકસાથે બોલી ઉઠ્યા. ‘હું જીત્યો છું, એટલે મારી શરત માનવી જ પડે, ક્યાં તો રાતુંફૂલ લાવી દે, નહિ તો તારો મોતી મને આપી દે’ બધા મિત્રોએ પોતાની પાસેની બધી લખોટીઓ અમથાને આપી  દેવા તૈયાર થઇ ગયા, પણ અમથાની દાનત ખરાબ હતી, એણે બીજાની લખોટીઓ લેવાની ના પાડી. એને લાગ્યું કે , બિરેન હવેલી જવા તૈયાર થશે નહિ અને એનો કૂતરો મોતી મને મળી જશે.’
‘હું આજે રાત્રે હવેલી પર જઈને ‘રાતુંફૂલ’ તને લાવી આપીશ, બસ ?’ બિરેન બોલ્યો. અમથાને નવાઈ લાગી. બિરેનના બધા મિત્રોએ એને વાર્યો, પણ બિરેન એના દિલોજાન દોસ્ત જેવા મોતી કૂતરો  અમથાને આપી દેવા નહોતો માંગતો. બિરેન રાતના બાર વાગ્યે ચુપચાપ ઉઠ્યો, એણે ધારિયું (લાકડીને છેડે વાકું અને ધારદાર હથિયાર) લીધું, ટોર્ચ લીધી અને રાતુંફૂલ લેવા હવેલી તરફ આગળ વધ્યો.
બિરેન બે ડગલાં માંડ ચાલ્યો હશે ત્યાં પાછળથી કોઈના દબાયેલા પગલાંનો અવાજ આવ્યો. એ ડરી તો ગયો, પણ હિંમત રાખીને એણે પાછળ જોયું, તો એનો સદાનો સાથી એવો મોતીકૂતરો એની સાથે આવતો હતો. એણે મોં પર આંગળી મુકીને મોતીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મોતી પણ એના દોસ્તનો ઈશારો સમજી ગયો હોય, એમ ચુપચાપ ચાલવા લાગ્યો. બિરેન ધીરે ધીરે હવેલી તરફ આગળ વધ્યો. હવેલી જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ બિરેનના દિલના ધબકારા વધતા ગયા.
છતાં પ્રિયમિત્ર મોતીને ગુમાવવો ન પડે એટલે રામનામ જપતો એ આગળ વધ્યો, હવેલીના કમ્પાઉન્ડ નો કટાયેલો દરવાજો દેખાયો, જેવો દરવાજો ખોલ્યો કે ‘કડડડડ..’ એવો અવાજ આવ્યો. એ મોતીને લઈને ફટાફટ દરવાજામાં દાખલ થઈ ગયો, દીવાલની વેલ પર ઉગેલું રાતુંફૂલ તોડીને હાથમાં લેતાં જ એ ખુશખુશાલ થઇ ગયો. પણ ત્યાં જ હવેલીના દરવાજેથી સફેદ કપડામાં કાળી કાળી આંખોવાળું ભૂત સામે આવીને ઉભું રહી ગયું.
મોતી જોરજોરથી ભસવા લાગ્યો, બિરેન પહેલા તો ગભરાઈ ગયો, પછી ધારિયાથી ભૂતને ભગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો, ત્યાં જ પાછળથી હાથમાં બંદુક લઈને કોન્સ્ટેબલ સાહેબની સાથે લાકડી-ધરિયા જેવા હથીયારો લઈને બિરેનના માબાપ અને અડોશીપડોશીઓ ધસી આવ્યા, સાથે બિરેનના મિત્રો પણ હતા, એમણે જ બધાને બિરેનના રાત્રે  હવેલી જવાના પ્લાનની ખબર આપી હતી. બધાને જોઇને ભૂત ગભરાઈને ભાગવા ગયું, એનો સફેદ ગાઉન એના પગમાં અટવાઈને નીકળી ગયો. ‘અરે ! આ તો પ્રખ્યાત ચોર ચમનચોટી છે’ કહેતા કોન્સ્ટેબલે ચમનચોટીને પકડી લીધો. એની સાથે એના બીજા બે સાથીદાર ચોરને પણ પકડીને દોરડાથી બાંધી દીધા.અને કહ્યું, ‘દોસ્તો, દુનિયામાં ભૂતબુત જેવું કશું હોતું નથી, એ ફક્ત આપણા મનનો વહેમ હોય છે.’
હવેલીમાંથી ચોરીનો માલ -  રૂપિયા-પૈસા, સોના-ચાંદીના સિક્કા, ઘરેણાં મળી આવ્યા, જે પોલીસે કબજામાં લીધા. ચમનચોટી સહિત ત્રણે ચોરોને શહેરની જેલમાં મોકલી આપ્યા. બિરેનને સરકારી ઇનામના એક હજાર રૂપિયા અને ‘બહાદુર બચ્ચા’ નો એવોર્ડ મળ્યો. એણે એમાંથી થોડા પૈસાની લખોટીઓ ખરીદીને અમથાને આપી, અમથો પોતાની ખોટી શરત બદલ  શરમાયો, પસ્તાયો, અને એણે બીરેનની માફી માંગી. બિરેને એણે માફી આપી, પછી તો બંને સાચા દોસ્ત બની ગયા.               

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ