હવે આ કોરોનાને કોઈ
કાઢો. પલ્લવી જિતેન્દ્ર
મિસ્ત્રી
એક હતો ચકો ( He Sparrow ) અને એક હતી ચકી (She sparrow ). ચકાનું નામ હતું ચંકી અને ચકીનું નામ હતું ચંદા. એક નાનકડા ગામની બાજુમાં એક નાનું મજાનું સુંદરવન હતું. આ સુંદરવનમાં એક ઝાડ પર ચંકી અને ચંદા પોતાનું ઘર બનાવીને રહેતા હતા. બંનેના બે નાના નાના બચ્ચા હતા. ચુન્નુ અને મુન્નુ. ચંકી અને ચંદા સવારે વહેલા ઉઠી જાય. પછી બંને ઘરમાંથી બહાર જાય. ચંકી લાવે ચોખાના દાણા અને ચંદા લાવે દાળના દાણા. ચંદા એમાંથી ખીચડી બનાવે, ત્યાં સુધીમાં ચુન્નુ મુન્નુ જાગી જાય. અને ચારે જણ પહેલા પ્રાર્થના ગાય અને પછી મજાથી ખીચડી ખાય.
ચુન્નુ મુન્નુ સ્કુલમાં જાય અને ચંકી ઓફિસે જાય. પછી ચંદા ઘરકામ કરે. ઘરકામમાંથી ફ્રી થાય એટલે ન્યુઝપેપર અને મેગેઝીન વાંચે. આજુબાજુના ઝાડ પર રહેતી બહેનપણીઓ સાથે વાતચીત કરે. બાજુના ઝાડ પર રહેતી કુકુ કોયલડીના મીઠા મધુર ગીતો સાંભળે. જ્યારે આકાશમાં વાદળો છવાય અને રીમઝીમ રીમઝીમ વરસાદ શરુ થાય ત્યારે મંગલ મોર આનંદમાં આવી જાય અને પોતાના રંગબેરંગી પીછાંઓ ફેલાવીને મજાનું નૃત્ય કરે, એ જોઈને ઢબલી ઢેલ, પીંકુ પોપટ, મીનુ મેના, કંજી કબુતર વગેરે બધા પંખીઓ ગેલમાં આવી જાય. સુંદરવનમાં ઉત્સવ થાય ત્યારે બોલવાની, ગાવાની, દોડવાની, નૃત્ય કરવાની, રમત ગમતની, વગેરે અવનવી હરીફાઈ યોજાય. જે જીતે એને સ્પર્ધાના જજ હોય તે દર વખતે જુદા જુદા ઇનામ આપે.
આ વખતે સુંદરવનમાં ‘વાનગી હરીફાઈ’ યોજાઈ. એમાં ચંકી અને ચંદાએ પણ ભાગ લીધો. બંને જણાએ ભેગાં થઈને એક નવા જ પ્રકારની ‘મસાલા ખીચડી’ બનાવી. સાદી ખીચડીમાં તો મસાલામાં ફક્ત હળદર અને મીઠું જ હોય. પણ ચંકી અને ચંદાએ હળદર,મીઠું, લસણ, કાંદા, ટામેટા, કોથમીર, કસુરી મેથી(સૂકવેલી મેથીની ભાજી), ગરમ મસાલો વગેરે નાખીને એક નવા જ પ્રકારની ‘મસાલા ખીચડી’ બનાવી.
આ ‘મસાલા ખીચડી’ ની સુંગધ ખુબ જ સરસ આવતી હતી. વાનગી હરીફાઈના જજને આ ખીચડી ખુબ જ ભાવી. અને ચંકી અને ચંદાને આ હરીફાઈમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા. એમને સર્ટીફીકેટ, ટ્રોફી અને ઇનામમાં એક સ્માર્ટફોન આપવામાં આવ્યો. બધાએ ચંકી અને ચંદાને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ આપી. ઢેલ, મેના, કોયલ વગેરે તો ચંદાને વાનગીની રેસીપી પૂછવા માંડયા. ચંદાએ બધાને ‘મસાલા ખીચડી’ બનાવવાની રીત શીખવી.
ઘરમાં સ્માર્ટ ફોન આવ્યો એટલે ચંકીએ એને કઈ રીતે વાપરવાનો તેની સૂચનાઓ વાંચી લીધી. એક વીકમાં તો ચંકીને ખુબ સરસ રીતે સ્માર્ટ ફોન વાપરતા આવડી ગયો. હવે એનો સમય ફ્રેન્ડસને ફોન કરવામાં, ફેસબુક, વોટ્સએપ, મેસેન્જર ના મેસેજ જોવામાં, મોકલવામાં પસાર થવા લાગ્યો. રાત્રે બધા ભેગા થઈને મોબાઈલમાં ટી.વી.સિરીયલ અને મુવી જોતા. એટલે સવારે ઉઠતા મોડું થતું. હવે ચંકી અને ચંદા મોડા ઉઠતા એટલે બંને ફટાફટ દાળ અને ચોખાના દાણા લેવા દોડી જતા. ચુન્નુ મુન્નુને ઉઠાડવાનું મોડું થઇ જતું એટલે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય પણ રહેતો નહિ.
એક રવિવારે ચંકીને ઓફિસમાં અને ચુન્નુ મુન્નુને સ્કુલમાં રાજા હતી. એટલે શનિવારની રાત્રે બધાએ મોડે સુધી મોબાઈલ પર આવતી ક્રિકેટ મેચ જોઈ. રવિવારે ચારે જણ ખુબ જ મોડા ઉઠ્યા. પુરતી ઊંઘ ન મળવાને કારણે ચંકી અને ચંદાને દાળ-ચોખા લેવા માટે બહાર જવાનું મન ન થયું. ચંકીએ મોબાઈલમાં ‘સ્વીગી અને ઝોમેટો એપ’ ડાઉનલોડ કરી હતી. એની મદદથી ચારે જણે ઢોસા, નુડલ્સ, પીઝા અને પાસ્તા વગેરે જુદી જુદી વાનગીઓ ઓર્ડર કરી.
બધાને ખાવાની મજા આવી ગઈ. પછી તો દર રવિવારે અને રજાને દિવસે જાતજાતની વાનગીઓ સ્વીગી, ઝોમેટો જેવી એપથી મંગાવતા. હવે એ લોકોને ખીચડી બહુ ભાવતી નહોતી. બહારની વાનગીઓ ખાવાથી ચંકી અને ચંદાનું પેટ ફૂલીને મોટું થયું. બંને જણ કામકાજમાં આળસુ થઇ ગયા. ચુન્નુ મુન્નુ પણ અભ્યાસમાં પાછળ પડવા માંડ્યા. ઘર અસ્તવ્યસ્ત રહેવા માંડ્યું. વધારે પડતું કોલ્ડડ્રીંક પીવાને કારણે ચુન્નુ અને મુન્નુ બંનેના દાંત ખરાબ થવા માંડ્યા. એટલે એમણે ડૉકટરને કન્સલ્ટ કર્યા.
ડૉકટરે એમને બહારનું ખાવાનું બંધ કરી ઘરનો સાદો ખોરાક લેવાની અને કસરત કરવાની સલાહ આપી. ડૉકટરની સલાહ માનીને ચંકી અને ચંદાએ સ્વીગી, ઝોમેટો જેવી એપ મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ કરી દીધી. મોબાઈલ પર રાત્રે મોડે સુધી મુવી અને ટી.વી. સિરીયલ જોવાનું બંધ કર્યું. અને ફરીથી પહેલાની જેમ રાત્રે વહેલા સુઈને સવારે વહેલા ઉઠવાનું શરુ કર્યું. ચંકી અને ચંદા ફરીથી દાળ અને ચોખાના દાણા લાવીને ખીચડી બનાવવાનું શરુ કર્યું.
ત્યાં જ એક દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી.વી. પર ૨૪મી માર્ચ, ૨૦૨૦ ના દિવસે પુરા ભારતદેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું. દેશમાં ‘કોવીડ-૧૯’ (Kovid-19) નામના વાઈરસથી ફેલાતા એક ભયંકર ચેપી રોગ જેને આપણે ‘કોરોના’ ના નામથી ઓળખીએ છીએ એમાંથી દેશની જનતાને બચાવવા એમણે આમ કર્યું. આ રોગ આખી દુનિયામાં ફેલાઈ ચુક્યો હતો. એટલે એને ‘પેન્ડેમિક (Pandemic) ગણવામાં આવ્યો. લોકો એનાથી ટપોટપ મરી રહ્યા હતા. હોસ્પિટલો અને દવાખાના દર્દીઓથી ઉભરાવા માંડ્યા હતા. ડૉકટરો અને નર્સો પી.પી.ઈ. કીટ અને માસ્ક પહેરીને લોકોનો ઉપચાર કરતાં, અને એમને સાજા કરીને ઘરે મોકલતા. એમનું અને સફાઈ કામદારોનું કામ ઘણું જ વધી ગયું હતું.
દરેક દેશની સરકારે આ રોગથી બચવા માટેની ગાઈડલાઈન જાહેર કરી. એ મુજબ કોઈએ અતિ જરૂરી કામ ન હોય ત્યાં સુધી પોતાના ઘરની બહાર નીકળવાનું નહોતું. બહાર જવું જ પડે એમ હોય તો જનાર માટે શરત હતી કે તેઓ મોઢા પર માસ્ક લગાવીને અને એકબીજાથી ત્રણચાર ફૂટનું અંતર જાળવીને (Social Distance) બહાર જઈ શકે. ૧૦ વર્ષથી નાના બાળકો અને ૬૦ વર્ષથી મોટા વડીલોને બહાર નીકળવાની મનાઈ હતી, કેમ કે એમને કોરોના નો ચેપ જલદી લાગી જવાની શક્યતા હતી. બધાને હાથ અને ચીજવસ્તુઓ સાફ રાખવા સેનીટાઇઝર વાપરવાનું કહેવામાં આવ્યું હતું.
ચુન્નુ મુન્નુ નું સ્કુલ જવાનું બંધ થયું. ચંકી અને ચન્દા હવે દાળ અને ચોખાના દાણા લેવા પણ બહાર જઈ શકતા નહોતા, હવે શું કરવું ? ઓનલાઈન ઓર્ડર કરવાથી અનાજ અને જોઈતી વસ્તુ ઘરે મંગાવી શકાતી હતી. વળી સવારે ૬ થી ૯ વાગ્યા સુધી બહાર જવાની છૂટ આપવામાં આવી હતી. એટલે ખાવાની તો કોઈ ચિંતા નહોતી. પણ કોરોના જવાનું નામ લેતો નહોતો એટલે લોકડાઉન લંબાતું ગયું. સરકારે ઘણા લાંબા સમય સુધી લોકોને અનાજ કઠોળ દવાઓ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડી. સેવાભાવી સંસ્થાઓએ પણ લોકોને મદદ કરી.
ચુન્નુ મુન્નુ જેવા બાળકોને ભણવા માટે ઓનલાઈન કલાસીસ શરુ થયા. એમની પાસે સ્માર્ટફોન હતો, એટલે એ એમને ભણવાના કામમાં આવ્યો. ઘણા લોકોને ઓનલાઈન ઓફીસ પણ શરુ થઇ. લોકોએ પોતાના કામકાજ માટે, રોજીરોટી કમાવા માટે બહાર નીકળવું જરૂરી હતું. એટલે સરકાર સાવચેતીના પગલા લઈને થોડા થોડા સમયે અનલોક ૧, ૨, ૩, ૪, ૫....જાહેર કરતી ગઈ. એમ ધીમે ધીમે જનજીવન પાછું શરુ થયું. પણ ક્યારેક લોકો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાલવાનું ભૂલી જતા તો તેઓ રોગમાં સપડાઈ જતા. હવે ધીરે ધીરે આ રોગનું જોર ઓછું થતું જાય છે એમ લાગી રહ્યું છે, છતાં સાવચેતી રાખવી જરૂરી છે.
માર્ચ પછી, એપ્રિલ, મે, જુન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર...એક પછી એક મહિનાઓ પસાર થવા માંડ્યા. બાળકો અને મોટાલોકો પણ ઘરમાં રહી રહીને કંટાળવા માંડ્યા. ગુડી પડવો, રામ નવમી, ગુડ ફ્રાઇડે, આંબેડકર જયંતી, ઈદ, સ્વતંત્રતા દિવસ, ગણેશ ચતુર્થી, મહોરમ, ગાંધી જયંતી..વગરે તમામ તહેવારો લોકોએ ઘરમાં બેસીને જ શાંતિથી વિતાવ્યા. હવે નવેમ્બરમાં દિવાળીનું મહાપર્વ આવી રહ્યું છે, ત્યારે બધાને પ્રશ્ન થાય છે, કે ‘આ કોરોના ક્યારે જશે ?’ અને બધા લોકો પ્રાર્થના કરે છે કે ‘હવે આ કોરોનાને કોઈ કાઢો.’
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો