સમયસૂચકતા : (બાળવાર્તા) : પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
બેઠા ઘાટના ૧૨ બંગલાની એક નાનકડી સોસાયટી હતી.
નંદનવન એનું
નામ. સાંજના સમયે એ સોસાયટીમાં નાનાં મોટાં બાળકો રમી રહ્યા
હતાં. કેટલાંક સાઈકલ ચલાવી રહ્યાં હતા, તો કેટલાક
ફૂટબોલ રમી રહ્યાં હતા, કેટલાક બાળકો તો
અમસ્તા જ આમતેમ દોડાદોડી કરી રહ્યા હતાં, એ લોકો કદાચ પકડદાવ
રમી રહ્યા
હતાં. એ
જ વખતે આ બધાં બાળકોથી થોડે દુર એક આઠ
વર્ષનો છોકરો નંદુ એની છ વર્ષની બહેન ગીતા સાથે ઉભો હતો. ખુશીથી
રમી રહેલાં બાળકોને જોઈને આ બંનેને
પણ એમની સાથે રમવાની ખુબ ઈચ્છા થઈ
આવી.
નંદુ થોડી હિંમત ભેગી
કરીને દોડી રહેલાં બાળકો પાસે આવ્યો.
એને જોઇને બાળકો દોડવાનું બંધ કરીને ટોળે વળીને ઉભા રહી ગયાં.
‘શું છે અલ્યા નંદુડા ?’ વિજય નામના એક
બાળકે જરા રુઆબથી એને પૂછ્યું. ‘અમને પણ તમારી સાથે રમાડો ને’ નંદુએ
ડરતાં ડરતાં કહ્યું. ‘અરે,
અમર, સોનુ, મોહિત... સાંભળો તો ખરા...આને આપણી સાથે રમવું
છે.’ કહીને વિજય જોરથી હસી પડ્યો. ‘જા જઈને અરીસામાં તારું મોઢું જોઈ આવ’ સોનુએ
કહ્યું. ‘અરે જા રે જઈને નળેથી તારું મોઢું ધોઈ આવ’ મોહિત બોલ્યો. અને બધાં બાળકો નંદુની ઠેકડી ઉડાડતાં હોય એમ ખડખડાટ હસી
પડ્યાં.
નંદુ ખાસિયાણો પડી ગયો, એની આંખમાં આંસુ આવી
ગયા, એની બહેન ગીતા તો રડી જ પડી. નંદુ એની નાની બહેનનો
હાથ પકડીને એના ઘરે જતો રહ્યો. ગીતાને રડતી જોઇને એની
મા જશોદાએ પૂછ્યું, ‘અલા નંદુ, પાછું હું થીયું,
આ છોડી કેમ રડે સે ?’ ‘કંઈ નઈ મા’ નંદુ બોલ્યો. ‘મને
હંધીય ખબર સે, પાછા બેઉ જણ સોસીટીમાં રમવા ગીયા ઓહે.’ જશોદા બોલી. નંદુ આ સાંભળીને નીચું
જોઈ ગયો. ‘એલા, તમને બેઉને ના પાડી સે તો હો હું લેવા તાં જાવ સો. આપણે રિયા નોકર
માણહ, ને એ શાઉકાર લોક, જરા તો હમજો. આંઈ આપણા ઘર કને રમતાં હું થાય સે
તમને બેઉને ?’
‘મા, તું જોજે તો ખરી, હું ભણી ગણીને મોટો સાયેબ થઈશ, ને પછી આ સોસાયટીમાં જ ઘર લઈશ.’ નંદુની આ વાત સાંભળીને
જશોદા ‘હું ગાંડીઘેલી વાત કરે સે ’ કહીને હસી પડી. નંદુ અને ગીતા
નંદનવન સોસાયટીના
પગી એટલે કે વોચમેન રઘુ અને એની પત્ની જશોદાના છોકરાંઓ. સોસાયટીનાં
એક ખૂણામાં આવેલી નોકર માટેની એક નાનકડી ઓરડીમાં રહે. રઘુ સોસયટીમાં
ચોકીદાર તરીકે કામ કરે. સોસાયટીનાં ગેટ પર બેસે, ચોકી કરે, સોસાયટીના સાહેબ માણસો કોઈ
કામ સોંપે તો ખુશી ખુશી કરી આપે. જશોદા પણ સોસાયટીમાં ચાર પાંચ ઘરે
વાસણ-કપડાં-કચરા- સફાઈ કરવાનું કામ કરે.
નંદુ અને ગીતા
એમના ઘરથી ખાસે દૂર આવેલી સરકારી સ્કુલમાં ભણવા જાય. નંદુ
ત્રીજા ધોરણમાં અને ગીતા પહેલા ધોરણમાં ભણે. બંનેને ભણવાનું ગમે પણ ખરું. ઘરે
આવીને સૌથી પહેલા ટીચરે આપેલું હોમવર્ક કરી લે. પછી જ બંને રમવા જાય. પણ સોસાયટીના
છોકરાંઓ એમને નોકરનાં છોકરાઓ સમજીને પોતાની સાથે રમાડે નહીં અને અપમાન કરે તે
બંનેને ગમે નહીં.
એક દિવસ નંદુ અને ગીતા સ્કૂલેથી વાતો કરતાં કરતાં પોતાના ઘરે આવી રહ્યા
હતા. ત્યાં જ એક કાર સ્પીડમાં આવીને એમની
એકદમ નજીકથી પસાર થઈ ગઈ. બંને ડરીને ઝડપથી
રસ્તાની સાઇડમાં ઉતરી ગયા. થોડે દૂર જઈને એ કારચાલકે એકસ્કૂટર સવારને ટક્કર મારી.
સ્કૂટરચાલક સ્કૂટર પરથી નીચે પટકાઈ પડ્યો. એની હેલમેટ નીકળી ગઈ અને એનું માથું
રસ્તાની ધાર સાથે ટકરાયું. માથામાંથી લોહીની ધાર વહી નીકળી. હાથની કોણી પર ઉઝરડાં પડી
ગયાં.
કારચાલક તો ટક્કર મારીને ભાગી ગયો. નંદુ અને ગીતા દોડીને ઘાયલ થયેલા સ્કૂટરસવાર પાસે પહોંચી ગયા. શું કરવું ? બંને વિચાર કરવા માંડ્યા. અરે, આ તો અનિલઅંકલ, મોહિતનાં પપ્પા. નંદુએ તરત એમને
ઓળખી કાઢ્યા. નંદુએ એમને બૂમ પાડી પણ અનિલભાઈ બેહોશ થઈ ગયા હોવાથી કોઈ જવાબ ન
મળ્યો. નંદુએ આજુબાજુ જોયું. પણ નજીકમાં કોઈ દેખાયું નહીં.
નંદુએ તરત જ પોતાના દફતરમાંની વસ્તુઓ નીચે નાખી દીધી અને કપડાંનું દફતર અનિલઅંકલના
માથાના ભાગે જ્યાંથી લોહી નીકળી રહ્યું હતું ત્યાં દબાવી દીધું.
પછી એની નજર અનિલ અંકલના થોડે દૂર ફેંકાઇ ગયેલા મોબાઈલ પર પડી. નંદુએ ગીતા પાસે એ
મોબાઈલ માંગ્યો. ગીતાએ મોબાઈલ નંદુને આપ્યો. સદનસીબે મોબાઈલ ચાલુ હતો. એણે પોતાની
બુધ્ધિ વાપરીને ૧૦૮ નંબર પર ફોન કરવાની ટ્રાય કરી. પણ મોબાઈલ પાસવર્ડથી પ્રોટેકટેડ
હતો એટલે એની સ્ક્રીન ખૂલી નહી અને નંબર
ડાયલ ન થઈ શક્યો. ત્યાં જ નંદુની નજર મોબાઈલ સ્ક્રીનનાં નીચેના ભાગે ઇમર્જન્સી
નંબર પર પડી. એને ખબર હતી કે મોબાઈલ સ્ક્રીન ઓન કર્યા વગર પણ ઇમર્જન્સી
નંબર પર ફોન કરી શકાય. એણે તરત એ નંબર ડાયલ કર્યો.
સામે છેડેથી એક લેડિઝ અવાજ આવ્યો, ‘હેલો…અનિલ ?’ અને તરત જ નંદુએ કહ્યું, ‘આંટી, અનિલઅંકલને એક્સિડંટ થયો છે.’ ‘તું કોણ બોલે છે?’ આરતીબહેન કે જે અનિલભાઈનાં પત્ની
સામે છેડે બોલી રહ્યાં હતાં એમણે પુછ્યું. ‘હું નંદુ, સોસાયટીનાં વોચમેન રઘુભાઇનો દીકરો. આંટી મને અંકલના મોબાઈલનો પાસવર્ડ
આપો. તો હું ૧૦૮ પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી શકું.’
‘અનિલનો ફોન કોઈએ ચોરી લીધો હોય અને ચોર
મોબાઈલની ડિટેલ્સ લેવા માટે પાસવર્ડ માંગતો હોય તો ? આજકાલ
આવા ફ્રોડ બહુ વધી ગયા છે.’ એવા વિચારે આરતીબહેન વિચારમા
પડ્યા. સામેથી કઈ જવાબ ન આવ્યો એટલે નંદુએ કહ્યું, ‘આંટી,
અંકલને તરત હોસ્પિટલ લઈ જવા ખૂબ જરૂરી છે. તમે પાસવર્ડ આપશો તો જ હું
એમ્બ્યુલન્સ બોલાવી શકીશ. તમને ભરોસો ન પડતો હોય તો લો મારી બહેન ગીતાનો અવાજ
સાંભળો.’ અને ગીતાએ કહ્યું, ‘આંટી, મારો ભાઈ સાચું કહી રહ્યો છે. અંકલને એક્સિડંટ
થયો છે.’
આરતીબહેને અનિલભાઈના મોબાઈલનો પાસવર્ડ આપ્યો
એટલે નંદુએ એક પળની પણ વાર કર્યા વગર પાસવર્ડથી મોબાઈલની સ્ક્રીન ખોલીને ૧૦૮ નંબર ડાયલ
કરીને એમ્બ્યુલન્સવાળાને બોલાવ્યા. દસ જ
મિનિટમાં ફોનનાં લોકેશનનાં આધારે એમ્બ્યુલન્સ
આવી પહોંચી. હવે રસ્તે જનાર બે ચાર લોકો પણ ત્યાં આવી પહોંચ્યા. નંદુએ ગીતાને
કહ્યું, ‘ગીતા, રસ્તા પર પડેલી મારા
દફતરની વસ્તુઓ તારા દફતરમાં મૂકી દે અને તું ઘરે જઈને માને અથવા સોસાયટીના ગેટ પર જઈને
બાપુને આ અકસ્માતની ખબર કર. હું અનિલઅંકલ સાથે હોસ્પિટલ જાઉં છુ.’
ગીતાએ ઘરે જઈને રડતાં રડતાં એની મા જશોદાને અનિલઅંકલના
એક્સિડંટનાં ખબર આપ્યા. જશોદાએ
દોડીને સોસાયટીનાં ગેટ પાસે બેઠેલા રઘુને ખબર આપ્યા અને રઘુએ
અનિલભાઈનાં ઘરે જઈને અનિલભાઈનાં પત્ની આરતીબહેનને ખબર આપ્યા. આરતીબહેનને તો નંદુએ
પહેલાં જ મોબાઈલથી ખબર આપી દીધા હતા. તેઓ સતત અનિલભાઈના મોબાઈલ ફોન પર નંદુ સાથે
સંપર્કમાં હતા. આરતીબહેને નંદુને પુછ્યું, ‘એમને કઈ હોસ્પિટલમાં લઈ જઇ રહ્યાં છે ?
નંદુએ એમ્બ્યુલન્સ વાળાને પૂછીને હોસ્પિટલનું
નામ કહ્યું એટલે આરતીબહેન તરત જ હોસ્પિટલ
જવા તૈયાર થયાં. એમનાં પડોશી નીરજભાઈ અને રીનાબહેનને ખબર પડી એટલે તેઓ પણ આરતીબહેન
સાથે જવા તૈયાર થઈ ગયાં. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ઓપરેશન થિયેટરમાં ડોક્ટર અનિલભાઈની
ટ્રીટમેંટ કરી રહ્યાં હતાં. આરતીબહેન પોતાના આંસુઓ રોકી ન શક્યા અને રડવા માંડ્યા.
રીનાબહેન એમણે ધીરજ આપતા બોલ્યા, ‘ચિંતા
ન કરો આરતીબહેન. ડોક્ટર બધુ ઠીક કરી દેશે.’ થોડીવાર પછી
ડોક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા એટલે આરતીબહેન અધિરાઈથી અનિલભાઈની હાલત વિશે
પૂછી બેઠાં. ડોક્ટરે કહ્યું, ‘એમની ટ્રીટમેંટ શરૂ કરી દીધી છે. સમયસર હોસ્પિટલ લાવવામાં
આવ્યા એટલે બચી ગયા. જો વધુ વાર થઈ હોત અને વધારે લોહી વહી ગયું હોત તો એમને
બચાવવા મુશ્કેલ થઈ જાત.’
આરતીબહેને ડોક્ટરનો આભાર માન્યો. ડોક્ટરે
કહ્યું, ‘આભાર માનવો હોય તો આ નાનકડા પણ નીડર અને ચતુર
બાળકનો માનો, એણે સમયસૂચકતા વાપરીને લોહી વહી જતું અટકાવ્યું
એટલું જ નહીં તરત ફોન કરીને એમ્બ્યુલન્સ પણ બોલાવી. ડોક્ટરે નંદુ તરફ આંગળી
ચીંધીને કહ્યું. આરતીબહેને નંદુનો ખૂબ ખૂબ આભાર માન્યો. બે દિવસમાં અનિલભાઈ સાજા
થઈને ઘરે આવી ગયા. ઘરે બે ચાર દિવસ આરામ કરીને ફરીથી ઓફિસ જવા માંડ્યા. અકસ્માત
પછી ફરી પાછું બધું રાબેતા મુજબનું જીવન શરૂ થઈ ગયું.
પણ પછી એક ફેરફાર થયો, મોહિત એનાં પપ્પાને બચાવનાર નંદુનો મિત્ર બની ગયો. અને એની સાથે રમવા
માંડ્યો. એ જોઈને સોસાયટીના બાકીના છોકરાંઓ પણ નંદુ સાથે રમવા માંડ્યા. એનાથી નંદુના
મા-બાપ રઘુ અને જશોદા તો ખુશ થયાં જ પણ એની સૌથી વધુ ખુશી નંદુની નાની બહેન ગીતાને
થઈ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો